Ahmedabad Plane Crash Report: ગત વર્ષે અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની એ કાળજું કંપાવી દેતી ઘટના આજે પણ લોકોના મનમાં તાજી છે. આ ભયાનક અકસ્માત કેમ થયો? તેની પાછળ કોની બેદરકારી હતી? આ તમામ સવાલોના જવાબ હવે ટૂંક સમયમાં મળવાના છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) ખાતે આયોજિત ‘એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સ સમિટ 2.0’ માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ મામલે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે.
Plane Crash: તપાસ અંતિમ તબક્કામાં
કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં છે. તેમણે ખાતરી આપી હતી કે, આગામી એક મહિનાની અંદર આ અકસ્માતનો વિગતવાર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ તપાસમાં એરક્રાફ્ટ એક્સીન્ડટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અને અનેક એજન્સીઓ જોડાયેલી છે, જેમને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે.
પીડિતોને વળતર અને તંત્રની કાર્યવાહી
અકસ્માત બાદ ભોગ બનેલા લોકોના પરિવારો સાથે સંપર્ક ન થતો હોવા અંગેના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે, સરકાર સમગ્ર સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહી છે. તમામ પીડિત પરિવારોને યોગ્ય વળતર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અગાઉ માર્ચ મહિનામાં પણ મંત્રીએ રાજ્યસભામાં આશ્વાસન આપ્યું હતું કે એક વર્ષની અંદર તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે, જે દિશામાં અત્યારે તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે.
શું હતી એ કમકમાટીભરી ઘટના?
તારીખ: 12 જૂન, 2025
ફ્લાઈટ: એર ઈન્ડિયા AI-171 (બોઈંગ 787-8 એરક્રાફ્ટ)
રૂટ: અમદાવાદ થી લંડન (ગેટવિક)
દુર્ઘટના: ટેકઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ પ્લેન ક્રેશ થયું હતું.
જાનહાનિ: પ્લેનમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 260 લોકો સવાર હતા. આ ગંભીર અકસ્માતમાં 259 લોકોના મોત નીપજ્યા હતા અને આશ્ચર્યજનક રીતે માત્ર એક જ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.
ગુજરાતના ઈતિહાસની આ સૌથી મોટી વિમાન દુર્ઘટનાના કારણો જાણવા માટે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની એવિએશન ઈન્ડસ્ટ્રી આ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો:Ahmedabad plane crash માં નવો વળાંક: કાર્તિ ચિદમ્બરે નવા પુરાવાનો દાવો કરી ફરી તપાસની માંગ
આ પણ વાંચો:Ahmedabad plane crash દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે
