બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણાની ઝુંબેશ શરૂ કરી દીધી લાગે છે. ગેનીબેનનો પ્રહાર તેમણે ઠાકોર સમાજને જણાવ્યું છે કે જો સમાજે પ્રગતિ કરવી હોય તો કુરિવાજો અને કુરીતિઓને તિલાંજલિ આપવી પડશે. તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ જ્યાં સુધી અંધશ્રદ્ધામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તેના માટે પ્રગતિના દ્વાર નહીં ખુલે. ઠાકોર સમાજ આજે પોતાને બીજા સમાજની તુલનામાં જુએ તો આપમેળે તેને તેની સ્થિતિ સમજાઈ જશે. તેઓને ખબર પડશે કે બીજા સમાજની તુલનાએ તેઓ ક્યાં ઊભા છે. દારૂ અને દશામા બંનેએ ઠાકોર સમાજને અંધશ્રદ્ધાનો ઘેરો ઘાલ્યો છે.
ઠાકોર સમાજને ગેનીબેનનો પ્રહાર
તેના કારણે આજે એમ કહેવાય છે કે ઠાકોર ક્યાં તો દારૂ પીતો હોય નહીં તો દશામાને ભજતો હોય. તેમણે જણાવ્યું હતું કે જો હવે તમને દશામા નડતા હોય તો મને મોકલજો, હું તેમને ગાડીમાં મારી સાથે લઈને ફરીશ. તમારે બધાએ દશામાની ચિંતા કરવાની જરૂર નથી. તમે બધા દશામામાંથી બહાર આવો, તમારી દશા સુધારો. દશામાને ભજતા-ભજતાં તમારી શું દશા થઈ તે જુઓ. આ બતાવે છે કે દશામાને તમારી પૂજાની જરૂર નથી, પણ તમે પોતાની દશા બદલવા માટે પ્રયત્નો કરો તેની જરૂર છે. દશામાં કંઈ કોઈને નડતા નથી, મા કોઈને પણ નડે નહીં. પણ તમે માનું નામ આગળ ધરીને સમાજને અજ્ઞાનના અંધકારમાં ડૂબેલો રાખો તે ક્યાંનો ન્યાય છે. મારો સીધો સવાલ એ છે કે આજે કેટલા ઠાકોરોના છોકરા સ્કૂલે ભણવા જાય છે, કેટલા ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને કેટલા સારા પદો પર બિરાજે છે. સમખાવા પૂરતો એક કોન્સ્ટેબલ પણ માંડ-માંડ જોવા મળે છે. આ શું આપણી પ્રગતિ છે કે અધોગતિ છે.
આજે રાજકારણથી લઈને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં કે પછી ધંધા ક્યાંય ઠાકોરો શોધ્યા જડતા નથી. શું ઠાકોરોએ પોતાની બધી જ તાકાત દારૂ અને દશામામાં ખર્ચી નાખી છે, તેમની પાસે એવું કોઈ કૌવત રહ્યું નથી કે તે પોતે ઝળકાવી શકે અને પોતાના સમાજ તથા દેશને સન્માન અપાવી શકે. ઠાકોર સમાજના કયા યુવાનો સ્પોર્ટ્સમાં કાઠું કાઢ્યું, કોઈએ નહીં. આ બધા માટે મહેનત કરવી પડે અને તે એક કે બે વર્ષ સુધી નહીં પણ વર્ષોવર્ષ સુધી મહેનત કરવી પડે છે ત્યારે સફળતા મળે છે. થોડી-થોડી વાતમાં નિરાશ થઈ જવાથી કશું સરતું નથી.
આજે આપણે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે પાછળ રહી ગયા તેની પાછળનું કારણ આ બધા કુરિવાજો અને અધશ્રદ્ધા છે. આપણે અંધશ્રદ્ધાને શ્રદ્ધા માનીને પકડીને બેસી રહ્યા અને બીજા સમાજો આગળ વધતાં ગયા. શિક્ષણની તાકાત પર તેમણે તેમનું વિશ્વ સર્જી દીધુ. તેની તુલનાએ આપણે તો સ્થિતિ હજી પણ બીજા લોકો જાણે આપણને ઠોકરે લે તેવી જ છે. આજે ઠાકોરનો કયો છોકરો વૈજ્ઞાનિક બન્યો છે, એ પણ નહીં સમખાવા પૂરતો ઠાકોર ઉદ્યોગપતિ પણ જોવા મળતો નથી. હવે ઉદ્યોગપતિ જ ન હોય તો પછી સમાજમાં દાતાઓ ક્યાંથી આવે. આપણી પાસે કોઈ વાતને લઈને વૈજ્ઞાનિક અભિગમ પણ નથી.
તેમણે ઉમેર્યું હતું કે હું તો ફક્ત એટલું જ કહું છું કે બાકી બધું પડતું મૂકો, પણ પ્રગતિ કરો. કુરિવાજો ત્યજો. વાતે-વાતે ભૂવા પાસે જવાનું બંધ કરો. જરા પણ તકલીફ પડે તો ડોક્ટર પાસે જાવ, ઇલાજ તે કરશે. જો ભૂવાથી જ બધું થતું હોત તો સરકારે ભૂવાના અભ્યાસક્રમ ચાલુ ન કરી દીધા હોત, ડોક્ટરીનું ભણાવવાની જ જરૂર ક્યાં હતી. આવા ખોટા રસ્તે ચઢવાનું અને બીજાને પણ ચઢાવવાનું બંધ કરીને યોગ્ય માર્ગ પર આગળ વધો. આજથી અભ્યાસ અને મહેનત શરૂ કરશો તો ભવિષ્યમાં કંઇક બની શકશો. શરૂઆત આજે નહીં તો કાલે પણ કરવી જ પડશે.
ભવિષ્યમાં આપણી ગણતરી પછાતમાં થાય અને આપણે આદિવાસી કરતાં પણ હીણા દેખાઈએ તેના કરતાં કામધધો, નોકરી કે ઉદ્યોગ કરવો પડશે. આવડત વગર કોઈ સન્માન નહીં મળે. દશામાની આટલા વર્ષો પૂજા કરી, હવે રહેવા દો તે પણ થાક્યા હશે. કોઈપણ વરદાન તો જ સફળ થાય જો તેની પાછળ મહેનત કરવામાં આવે.
ગેનીબેન સમજી ગયા છે કે જ્યાં સુધી ઠાકોર સમાજ જાગૃતિના પથ પર આગળ નહીં વધે ત્યાં સુધી તે આગળ નહીં આવે. કોઈપણ જગ્યાએ કંઈ સંખ્યા વધારે હોવાથી પ્રતિનિધિત્વ મળતું નથી, તમે કેટલું પ્રદાન કરી શકો છો અને પોતાના સમાજ તથા તંત્રને કેટલું આગળ લઈ જઈ શકો છો તેના આધારે તક મળે છે. સમાજના લોકો સિંહ જેવા બને તેવું તેમણે આહવાન કર્યુ હતુ, ઘેટાની જેમ ટોળામાં ન ફરે.
ગુજરાતની વિકાસની દોડમાં ઠાકોર સમાજ પાછળ રહી ગયો તે હકીકત છે. આજે રાજ્યની વસ્તીમાં 40 ટકા હિસ્સો ધરાવતા આ સમાજની એક વ્યક્તિના નામે ફેક્ટરી નથી તે સમાજ માટે અત્યંત શરમજનક બાબત છે. હજી પણ આ સમાજ 18મી સદીની માનસિક સ્થિતિમાં જીવી રહ્યો છે. આ સંજોગોમાં તે એકવીસમી સદીમાં આગળ કઈ રીતે આવશે. આજે આ સમાજ પોતાના ગામનો એક રસ્તો બનાવવાની ક્ષમતા કેળવી શક્યો નથી. સમાજમાં કોઈ એવો કર્ણધર નથી જે વિદ્યાથી લઈને વ્યાપાર સુધીમાં કાઠુ કાઢી શકે. દશામા અને દારૂ બંને જાણે ઠાકોર સમાજની ઓળખનો પર્યાય બની ગયા છે. એકવીસમી સદીમાં જો મંડાણ કરવા હશે તો ઠાકર સમાજે 18મી સદીની માનસિકતા ત્યજવી પડશે. દશામાં, દારૂ અને ભુવા ત્રણેય ત્યજવા પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

