ધંધો વેપાર લઈને બેઠેલા વેપારીઓને મોટા ભાગે નાણાકીય વ્યવહારો ચેકના દ્વારા થતાં હોય છે. કેસની હેરફેર બહુ ઓછી થતી હોય છે કારણકે અત્યારે ચોરી અને લૂટના બનાવોમાં થયેલા વધારાને કારણે વેપારીઓ પોતાની અને પોતાના રૂપિયાની સલામતીની ખાતર નાણાકીય વ્યવહારો ચેક અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. જોકે, ઘણી વાર એવું પણ બનતું હોય છે કે , ચેક રિટર્ન થઈ જવાને કારણે વેપારીઓંની મુશ્કેલીઓ વધી જતી હોય છે અને ત્યારબાદ તેઓ કાયદાકીય રીતે સંઘર્ષમાં આવી જતાં હોય છે. આવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો હતો.
જેમાં જામનગરના કારખાનેદારને ચેક પરતના કેસમાં અદાલતે કસૂરવાર ઠરાવ્યા પછી છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
જામનગરના ગુલાબસિંહ લખમણસિંહ જાડેજા પાસેથી વિશાલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાવાળા કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલે રૂપિયા સીત્તેર હજારની રકમ સંબંધ દાવે હાથ ઉછીની લીધી હતી. જેની ચૂકવણી માટે કલ્પેશ પટેલે ચેક આપ્યો હતો. ઉપરોકત ચેક બેંકમાંથી અપૂરતા નાણાના ભંડોળના શેરા સાથે પરત ફરતાં ગુલાબસિંહે નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે કારખાનેદાર કલ્પેશ પટેલને તકસીરવાન ઠરાવી છ મહિનાની સાદી કેદની સજા અને રૂપિયા .સીત્તેર હજારની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરથી વકીલ વિક્રમસિંહ જેઠવા રોકાયા હતાં.
ઉલ્લેખનીય છે કે , ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા ત્યારે જ પડે છે કે જ્યારે આરોપી બાકી નીકળતી રકમ ભરવામાં નિસફળ રહ્યો હોય અને કોર્ટમાં પણ તે પોતાની દલીલો અને પુરાવાને રજુ કરવામાં નિસફળ રહ્યો હોય ત્યારે જ કોર્ટ આરોપીને સજા ફટકારતી હોય છે. નહિતર, મોટા ભાગના કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જતું હોય અને કેસનું અંત આવી જતું હોય છે.