ગુજરાતના રાજકારણનું કેન્દ્ર ગાંધીનગર છે, પણ સૌરાષ્ટ્રના રાજકારણનું કેન્દ્ર જાણે ગોંડલ હોય તેવી સ્થિતિ છે. ગોંડલ એટલે જયરાજ અને જયરાજ એટલે ગોંડલ એવું કહેવાય છે. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે ગીરના સિંહને તેની બોડમાં પડકારી ન શકાય તેમ ગોંડલમાં જયરાજને કોઈ પડકારી ન શકે.
તાજેતરમાં જ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ખાલી તેમના પુત્ર ગણેશ ગોંડલે માના દૂધના નામે ફેંકેલા પડકારને ઝીલવા ગોંડલ ગયા હતા અને ત્યાં તેમનો બેનરો દર્શાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓ કંઈ ત્યાં ચૂંટણી લડવા ગયા ન હતા, પણ ફક્ત ગણેશ ગોંડલના પડકારનો જવાબ આપવા ગયા હતા. આમ છતાં તેમના પર પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની ગાડીઓને કાચ તોડી નાખ્યા, એક રીતે તેમને રીતસરની ચીમકી જ આપી દેવાઈ, પણ જો હું ત્યાં હાજર હોત તો જયરાજના માણસો અલ્પેશ કથીરિયા પર હુમલો કરવાનું હિંમત ન કરી શકત, આવું કહેનારી વ્યક્તિ બહારનો નથી ગોંડલનો જ છે અને આ નામ છે નિખિલ દોંગા.
કહેવાય છે કે ગોંડલમાં જયરાજને જો કોઈ ડર હોય તો આ એક જ વ્યક્તિનો ડર છે અને તે છે નિખિલ દોંગા. આ નિખિલ દોંગાને તોડવા માટે જયરાજે એટલા પ્રયત્નો કર્યા છે, પણ તે તૂટ્યો નથી પણ વધુને વધુ મજબૂત થતો ગયો છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ જ્યારે કોઈ સામાન્ય માણસનું જીવવું હરામ કરી નાખે છે અને પછી તે વ્યક્તિ જે બને છે તેનું ઉદાહરણ નિખિલ દોંગાના સ્વરૂપમાં જોઈ શકાય છે. આજે આ નિખિલ દોંગાની પાછળ પડીને જયરાજે 115 જેટલા કેસ નોંધાવ્યા છે. નિખિલ દોંગાને ગોંડલ જ નહીં સૌરાષ્ટ્રમાં પ્રવેશની પણ છૂટ નથી, જયરાજ પાછળ પડી જવાથી તેને વિવિધ ગુનાઓ હેઠળ દસ વર્ષ જેલમાં કાઢવા પડ્યા છે. તેના પર ગુજસીટોક લાગેલો છે. નિખિલ દોંગા આજે ગેંગસ્ટર કહેવાય છે, પરંતુ તે પોતે સામાજિક સંગઠન ચલાવતો હોવાનો દાવો કરે છે.
40 વર્ષનો નિખિલ દોંગા યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ ચલાવે છે. તેના પર લગભગ 115 કેસ નોંધાયેલા છે. તેના પર જયરાજની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે. નિખિલ દોંગાએ ખાનગી પ્રસાર માધ્યમને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયરાજે મને બે વખત બોલાવીને તાલુકા પંચાયતની ઓફર કરી હતી, પણ મારે કંઈ ચૂંટણીલક્ષી રાજકારણમાં આવવું ન નથી, મને તો તાલુકા પંચાયત શું છે એ પણ ખબર નથી. આ ઓફર મને 2020માં કરવામાં આવી હતી.
મને ભણવામાં ખાસ રસ ન હતો, પણ મને હીરા ઘસવામાં રસ પડતા મારા પિતાએ મને સુરત મોકલ્યો હતો અને હું ત્યાં હીરા ઘસતો હતો. આ દરમિયાન મેં મારા શેઠને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું અર્જુનને યુદ્ધ એ જ કલ્યાણ તેમ કહેતું ચિત્ર જોયું, મને તે ખૂબ જ ગમ્યું. તેના પછી મેં જે સંગઠનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી તેથી મારા જૂથનું નામ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ રાખ્યુ. અમારે ત્યાં શિક્ષકને પણ તે નામ ગમ્યું. તેમણે મને નામ નોંધાવવાનું કહેતા મેં આ નામ રજિસ્ટર કરાવી દીધું.
જયરાજસિંહ સાથેની દુશ્મની અંગે નિખિલ દોંગાએ જણાવ્યું હતું કે મારે તેમની સાથે કોઈ દુશ્મનાવટ ન હતી. હું ફક્ત મેં ઊભા કરેલા સંગઠન માટે કામ કરતો હતો. મારા ગ્રુપમાં ફક્ત પાટીદારો જ છે તેવું નથી, બધી જ જાતિના લોકો છે. હું જયરાજના રસ્તામાં પણ ક્યાંય આવ્યો ન હતો, પણ મારા સામાજિક કામના લીધે જયરાજને લાગ્યું કે હું તેને નડીશ, હું તેને હંફાવીશ. તેથી તેણે મને દુશ્મન બનાવ્યો, મારે તો રાજકારણ સાથે પણ નિસ્બત ન હતી. જયરાજને હતું કે ગોંડલમાં પટેલોની વસ્તી વધારે છે તો મારો સિક્કો જામી ગયો તો તેમનું રાજકારણ ખતમ થઈ જશે. જ્યારે મારા તો મગજમાં પણ રાજકારણ ન હતુ. આથી તેમણે મને તાલુકા પંચાયતના પ્રમુખ બનવા સુધી જુદી-જુદી ઓફર કરી, પણ મેં તે ફગાવી દીધી, કારણ કે મારે સંગઠનને મજબૂત કરવું હતું. આથી જયરાજ એવું સમજ્યો કે મારી નજર કદાચ બહુ મોટી જગ્યા પર છે. તેથી તેણે મારી સામે ખોટા કેસો કરવા માંડ્યા, મારું સંગઠન વિખેરવા માટે આક્ષેપો કરવા માંડ્યા, મારા પર ખોટા આળ મૂકવામાં આવ્યા, તેના લીધે મારે જેલમાં દસ વર્ષ કાઢવાનો સમય આવ્યો. તેણે તેના ગુના પણ મારા માથે ઓઢી દીધા.
ગોંડલમાં પોલીસથી લઈને પંચનામુ બધું જ જયરાજની મરજી મુજબનું થાય છે, તેથી ના મને કોઈ સમર્થન આપવા આગળ આવ્યું, તેણે ફક્ત તેના એક ડરના કારણે મારું જીવન તો ધૂળધાળી કર્યું જ, પરંતુ મને મદદ કરનારા કેટલાય લોકોની કારકિર્દી ખતમ કરી નાખી, તેઓને ક્યાંયના ના રહેવા દીધા. હવે વિચાર કરો તો મારી સાથે કોઈ ઝગડો નહી, મેં તેનું કશું જ બગાડ્યું ન હતું તો પણ ફક્ત એક શંકાના આધારે તેણે મારી આવી સ્થિતિ કરી તો પછી રાજકુમાર જાટે તો રીતસર તેની સાથે જીભાજોડી કરી હશે અને તેને સામા જવાબ આપ્યા હશે તો તેની તેઓએ શું હાલત કરી હશે. આજે આ જયરાજના પાપે હું આખા સૌરાષ્ટ્રમાં તડીપાર છું. તે પોતે હત્યાનો આરોપી છે અને મારા પર તેણે તેની હત્યાના પ્રયત્નનો આરોપ મૂક્યો હતો. તેનું ચાલત તો મને જેલમાં જ ખતમ કરી દેત, પરંતુ મારા નસીબના કારણે હું બચી ગયો. મારા સંગઠન માટે કરેલી મહેનતે મને બચાવ્યો. મારા સંગઠનના લોકો મારી મદદે આવ્યા.
આજે હું સુરતમાં મારી યુદ્ધ એ જ કલ્યાણ સંગઠનની ઓફિસમાં બેઠો છું, પણ જયરાજ ત્યાં મારા નામથી ધ્રુજે છે, કારણ કે હવે મને તેની સામે મોતનો ડર નથી. મેં લગ્ન કર્યા નથી અને કરવાનો પણ નથી. હું ફક્ત મારી સજા પૂરી થાય તેની જ રાહ જોઈ રહ્યો છું. પછી હું છું અને જયરાજ છે. આખુ ગોંડલ તે ખેલ જોશે કે કોઈ બાહુબલી કેવી રીતે ખતમ થાય છે.
ગોંડલના લોકોમાં જયરાજના ડર અંગે દોંગાએ જણાવ્યું હતું કે જો તમે મરજીવા બનો તો કોઈ તમને કશું જ ન કરી શકે. ગોંડલમાં પોલીસથી લઈને પંચનામા સુધી બધુ જ જયરાજના કબ્જામાં છે અને તેના ઇશારે થાય છે. આ સંજોગોમાં લોકો હવે તેમની રોજિંદી જિંદગી જીવે કે પછી રોજ જયરાજ સામે લડે. આ એક નાના છોકરા રાજકુમારે જયરાજને ખાલી જવાબો આપ્યા તેમા એક માસૂમ જિંદગીને કેવી ખતમ કરી નાખી. હવે વિચાર કરો આ 20થી 23 વર્ષના માસૂમે જયરાજનું શું બગાડ્યું હશે, કશું જ નહી. તેની તો કોઈ રાજકીય મહત્વાકાંક્ષા પણ નથી. આજે તેની હત્યા થયાને તેનો બાપ બે-બે મહિનાથી પોલીસ સ્ટેશનના પગથિયા ઘસે છે, પણ FIR સુદ્ધા લેવાતી નથી. આ સંજોગોમાં પછી ગોંડલનો કયો સામાન્ય માનવી જયરાજની સામે થાય. પણ હવે તેના દહાડા પૂરા થવા આવ્યા છે. આગામી ચૂંટણીમાં તો હું જ તેને પડકારવાનો છું અને બતાવી દઇશ કે તેનો દબદબો હું કેવી રીતે ખતમ કરી શકું છું.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
