અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા. ખેડૂતોને સિંચાઈ માટે મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું. મેશ્વો જળાશયમાંથી પ્રથમ તબક્કામાં 100 કયુસેક પાણી છોડાયું. સિંચાઈ માટે પાણી છોડતા આસપાસની 7500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે. સાથે મોડાસા અને ભિલોડાના 30 ગામોને પિયત માટે ફાયદો થશે. ચોમાસામાં સારા વરસાદને પગલે જળાશયમાં હાલ સરેરાશ 60 ટકા પાણીનો જથ્થો ઉપલ્બધ છે.

આ વર્ષના આરંભમાં અરવલ્લી જિલ્લામાં શામળાજી ખાતે આવેલા મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવાને લઈને અનોખી માંગણી કરવામાં આવી હતી. સૂકી બની ગયેલ મેશ્વો જળાશયના કારણે આસપાસના ખેડૂતો અને પશુપાલકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતો અને પશુપાલકો માટે પાણી વધુ મહત્વ ધરાવે છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી પડતી હતી જ્યારે પશુપાલકોને પણ પશુ પાલન માટે કુવા બોરમાંથી પૂરતું પાણી મળતું નહોતું. આથી ખેડૂતો અને પશુપાલકોએ રામધૂન બોલાવી મેશ્વો જળાશયમાં પાણી છોડવા સરકારને વિનંતી કરી.
અરવલ્લી જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખરીફ અને રવી સીઝનમાં કઠોળ પાકોનું વાવેતર કરતા હોય છે. આ જિલ્લામાં સામાન્ય રીતે તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, કપાસ, તલ, દિવેલા, ધાન્ય, ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને સોયાબીનની ખેતી થાય છે. જો કે પાછોતરા વરસાદના કારણે કઠોળના પાકમાં નુકસાન થતા ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે. કારણ કે કઠોળ પાકમાં 125 દિવસ જેટલો સમય લાગે છે. વરસાદ વધુ પડતા કઠોળના પાકને માઠી અસર થાય છે. જ્યારે રોકડિયા પાકો ઓછા સમયમાં સારો નફો આપી રહ્યા છે.
શામળાજી ખાતે આવેલો મેશ્વો જળાશય ગત ચોમાસા દરમિયાન 214.59 મીટરે ઓવર ફ્લો પણ થયો હતો. જ્યારે આ વર્ષે સારા વરસાદને પગલે મેશ્વો જળાશયમાં હાલ 60 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી ખેડૂતોને ખેતીમાં વધુ લાભ મળે માટે પ્રથમ તબક્કામાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.
આ પણ વાંચો : અમદાવાદના પોશ વિસ્તારમાંથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો :ABVPનો જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો
આ પણ વાંચો : દારૂની હેરાફેરી માટે બુટલેગરોની અજીબ તરકીબ, પોલીસ પણ ચકરાવે ચડ્યા
