Junagadh News: જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ (Junagadh Nobel Ayurvedic College) સાથે જોડાયેલો લાંચનો ગંભીર મામલો સામે આવ્યો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)ની તપાસમાં કોલેજના 13 ફેકલ્ટી સભ્યોની હાજરી અને તેમની વાસ્તવિકતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ શિક્ષકોને કાગળ પર કાયદેસર ઠેરવવા અને તપાસમાં સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ₹10 લાખની લાંચની ઓફર કરવામાં આવી હોવાનો આરોપ છે.
આ મામલે CBI, નવી દિલ્હીએ નોબેલ આયુર્વેદિક કોલેજ (Junagadh Nobel Ayurvedic College)ના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે સામે FIR નોંધી છે. આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર અને સરકારી કર્મચારીને લાંચ આપવાની ઓફર સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

13 શિક્ષકોની તપાસ માટે હિયરિંગ કમિટી બનાવાઈ હતી
મળતી માહિતી મુજબ, NCISM, નવી દિલ્હી સાથે સંકળાયેલી હિયરિંગ કમિટીના સભ્ય અને લખનૌની આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રૂપાલી આર. મહાડીકને નોબેલ આયુર્વેદિક કોલેજના 13 ફેકલ્ટી સભ્યો અંગેની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ 13 શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં ફરજ બજાવે છે કે માત્ર દસ્તાવેજોમાં જ દર્શાવવામાં આવ્યા છે, તે અંગે ચકાસણી કરવાની હતી.
WhatsApp કોલ પર લાંચની ઓફર કરવાનો આરોપ
તપાસ દરમિયાન પ્રોફેસર ડૉ. અભય નાલવડેએ ડૉ. રૂપાલી મહાડીકનો WhatsApp કોલ દ્વારા સંપર્ક કર્યો હોવાનો આરોપ છે. આ વાતચીત દરમિયાન 13 શંકાસ્પદ ફેકલ્ટી સભ્યોના પક્ષમાં સાનુકૂળ રિપોર્ટ આપવા માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ 20 ઓગસ્ટે થયેલી WhatsApp વાતચીતમાં નોબેલ આયુર્વેદિક કોલેજ (Junagadh Nobel Ayurvedic College)ના ટ્રસ્ટી પ્રતીક મોરી પણ જોડાયા હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, 13 શિક્ષકોના નામ ક્લિયર કરીને સકારાત્મક રિપોર્ટ આપવા બદલ કુલ ₹10 લાખ ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી.
Junagadh Nobel Ayurvedic College: પુરાવા એકત્ર કરી CBIમાં ફરિયાદ
લાંચની ઓફર મળ્યા બાદ ડૉ. રૂપાલી મહાડીકે સમગ્ર મામલે NCISMના પ્રમુખ ડૉ. મુકુલ પટેલને જાણ કરી હતી. તેમને આરોપીઓ સાથે સંપર્કમાં રહીને વધુ પુરાવા અને વાતચીતના રેકોર્ડ એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ લાંચની ઓફર સંબંધિત કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. પૂરતા પુરાવા મળ્યા બાદ ડૉ. રૂપાલી મહાડીકે CBI, નવી દિલ્હી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી.

CBIની ચકાસણી બાદ FIR
ફરિયાદ મળ્યા બાદ CBI દ્વારા પ્રાથમિક/ખાનગી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાંચની ઓફર અંગેના પુરાવા મળ્યા હોવાના આધારે અંતે પ્રતીક મોરી અને ડૉ. અભય નાલવડે સામે FIR નોંધવામાં આવી છે. CBIના SP આઈ. બી. પેન્ધારીના જણાવ્યા પ્રમાણે, ફોન કોલ સંબંધિત પુરાવાઓના આધારે બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની વિગતવાર તપાસ CBIના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.
Junagadh Nobel Ayurvedic College પ્રશાસનમાં ખળભળાટ
નોબેલ આયુર્વેદિક કોલેજ (Junagadh Nobel Ayurvedic College) સાથે જોડાયેલા આ કેસને પગલે યુનિવર્સિટી પ્રશાસનમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને કોલેજના ફેકલ્ટી સંબંધિત તપાસના સાનુકૂળ પરિણામ માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાના આરોપે મામલો ગંભીર બન્યો છે. આ અંગે નોબેલ યુનિવર્સિટીના વાઇસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ બંનેએ ફોન રિસીવ કર્યો ન હતો અને આ મામલે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
હવે CBIની તપાસમાં વધુ વિગતો બહાર આવશે
હાલ CBI દ્વારા નોંધાયેલા ગુનાની તપાસ આગળ વધી રહી છે. 13 ફેકલ્ટી સભ્યોની વાસ્તવિક હાજરી, તપાસ દરમિયાન થયેલી વાતચીત, લાંચની ઓફર અને સમગ્ર કથિત ષડયંત્રમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, CBI દ્વારા FIRમાં થયેલા આક્ષેપો તપાસનો વિષય છે. આરોપીઓ સામેના આક્ષેપો કોર્ટમાં પુરવાર થયા નથી અને કેસની આગળની કાયદાકીય પ્રક્રિયા બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોના અપૂરતી સુવિધાને કારણે જોડાણ રદ
