Ahmedabad School News: અમદાવાદના કેશવનગર વિસ્તારમાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેશવનગરમાં શાળા ચલાવવાની મંજૂરી ધરાવતી શ્યામ ઘનશ્યામ સ્કૂલ (Shyam Ghanshyam School) દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી લીધા વગર શાળાનું સ્થળ બદલીને જુહાપુરામાં સંસ્થા ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વધુ ગંભીર બાબત એ છે કે જે સ્થળે શાળાનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, ત્યાંની અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન પાસે જ શાળા ચલાવવાની માન્યતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શ્યામ ઘનશ્યામ સ્કૂલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શાળાને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને ત્યાં અભ્યાસ કરતા આશરે 190 વિદ્યાર્થીઓને નજીકની અન્ય માન્ય શાળાઓમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Shyam Ghanshyam School: સરપ્રાઈઝ ચેકિંગમાં સમગ્ર મામલો સામે આવ્યો
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા થોડા સમય પહેલાં શહેરની વિવિધ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કેશવનગરમાં મંજૂરી ધરાવતી શ્યામ ઘનશ્યામ સ્કૂલનું (Keshavnagar School) સ્થળ બદલવામાં આવ્યું હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. વધુ તપાસ કરતાં સામે આવ્યું કે શાળાને કેશવનગરમાં મંજૂરી આપવામાં આવી હોવા છતાં સંચાલકો દ્વારા કોઈ યોગ્ય મંજૂરી લીધા વગર શાળાને જુહાપુરા વિસ્તારમાં આવેલી બીજી સંસ્થાના સ્થળે ખસેડવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વગર સ્થળ ફેરફાર
શાળાનું સ્થળ બદલવા માટે નિયમ મુજબ સંબંધિત શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂરી લેવી જરૂરી હોય છે. જોકે શ્યામ ઘનશ્યામ સ્કૂલના સ્થળ ફેરફાર માટે આવી કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે શાળા સંચાલકો તરફથી યોગ્ય અને સંતોષકારક જવાબ રજૂ કરવામાં ન આવતા હવે શાળા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જુહાપુરાની સંસ્થાની તપાસમાં પણ મોટો ખુલાસો
શ્યામ ઘનશ્યામ સ્કૂલને જુહાપુરામાં જે સ્થળે (Juhapura School) ખસેડવામાં આવી હતી, તે સ્થળે અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન નામની સંસ્થા હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ વિભાગની ટીમે આ સંસ્થાની પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ સંસ્થા પાસે શાળા ચલાવવા માટે જરૂરી માન્યતા ન હોવાનું સામે આવ્યું છે. એટલે કે એક તરફ શ્યામ ઘનશ્યામ સ્કૂલ દ્વારા મંજૂરી વગર સ્થળ બદલવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ જે સ્થળે શાળા ચલાવવામાં આવી રહી હતી તે સંસ્થા પાસે પણ માન્યતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બોર્ડ પર ‘Government Approval’ લખ્યું હોવાનો આક્ષેપ
આ સમગ્ર મામલામાં વધુ ગંભીર બાબત એ છે કે અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના બોર્ડ પર ‘Government Approval’ લખવામાં આવ્યું હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, તપાસમાં આ સંસ્થા પાસે માન્યતા ન હોવાનું સામે આવ્યું હોવા છતાં બોર્ડ પર સરકારની મંજૂરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતને લઈને પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
190 વિદ્યાર્થીઓનું શું થશે?
શ્યામ ઘનશ્યામ સ્કૂલમાં આશરે 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા બંધ કરવાની કાર્યવાહીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તેમને નજીકની માન્ય શાળાઓમાં ખસેડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. શિક્ષણ નિરીક્ષકને વાલીઓ સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં પ્રવેશ અપાવવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગનું કહેવું છે કે સમગ્ર કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપવામાં આવશે.
અમાન્ય રીતે શાળા ચલાવવી કાયદેસર રીતે ગંભીર બાબત
શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અમાન્ય શાળા ચલાવવી એ ગુનો છે અને આવી રીતે ચાલતી શાળામાં મળતી શૈક્ષણિક વ્યવસ્થાની કોઈ માન્યતા રહેતી નથી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ટ્યુશન ક્લાસિસ જેવી પ્રવૃત્તિ અને માન્ય શાળા ચલાવવી બંને અલગ બાબતો છે. સરકારની મંજૂરી વિના શાળા ચલાવવી યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે શાળાનું સ્થળ બદલવું હોય તો પણ નિયત નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. સંબંધિત વિભાગની મંજૂરી વગર શાળાનું સ્થળ બદલી શકાય નહીં.
શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે જવાબદાર (Gujarat Education Department) લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ કરીને માન્યતા ન હોવા છતાં સરકારી મંજૂરી હોવાનો ઉલ્લેખ કરવાના મામલે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા
શાળાની માન્યતા, સ્થળ ફેરફાર અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને હવે વાલીઓમાં પણ ચિંતા ઊભી થઈ છે. 190 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે તેમને ઝડપથી યોગ્ય શાળામાં પ્રવેશ મળે તે મહત્વનું બન્યું છે. સમગ્ર મામલામાં હવે શિક્ષણ વિભાગની તપાસ બાદ શાળા સંચાલકો અને જુહાપુરામાં આવેલી સંસ્થા સામે કઈ કાયદેસરની કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: DEOના સરપ્રાઈઝ ચેકિંગમાં મોટો ખુલાસો! મંજૂર સ્થળ છોડીને જુહાપુરામાં શાળા, મેનેજમેન્ટને નોટિસ
આ પણ વાંચો: અમદાવાદમાં 23 દિવસમાં રોગચાળાના 700થી વધુ કેસ! ડેન્ગ્યુ-ટાઇફોઇડથી તંત્ર એલર્ટ
આ પણ વાંચો: રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના! 15 વર્ષનો વિદ્યાર્થી ટ્યુશનથી પરત ફરતી વખતે મોતને ભેટ્યો
