Mumbai/ મુંબઈવાસીઓ માટે ખુશખબર, આજથી વોટર ટેક્સીની થશે શરૂઆત

મુસાફરો હવેથી મુંબઈથી બેલાપુર સુધી વોટર ટેક્સીની મજા માણી શકશે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો મહત્વાકાંક્ષી વોટર ટેક્સી પ્રોજેક્ટ ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યો છે

India
mumbai

મુંબઈમાં વોટર ટેક્સી સેવા શરૂ થવા જઈ રહી છે. મુસાફરો હવેથી મુંબઈથી બેલાપુર સુધી વોટર ટેક્સીની મજા માણી શકશે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટનો મહત્વાકાંક્ષી વોટર ટેક્સી પ્રોજેક્ટ ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યના બંદર અને પાલક મંત્રી અસલમ શેખે જણાવ્યું હતુ કે, મુંબઈ અને બેલાપુર વચ્ચે 10 થી 30 મુસાફરોની ક્ષમતાવાળી 7 સ્પીડબોટ અને 56 મુસાફરોની ક્ષમતાવાળી એક કેટામરન બોટ સાથે વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેથી માત્ર 30 મિનિટમાં સ્પીડ બોટ દ્વારા અને 45 થી 50 મિનિટમાં કેટામરન બોટ દ્વારા દક્ષિણ મુંબઈના બેલાપુર પહોંચવું શક્ય બનશે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને CIDCO એ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને JNPT(જવાહર લાલ નહેરુ બંદર) વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે. અત્યારે સ્પીડબોટનું ભાડું 800 થી 1200 રુપિયા સુધીનુ છે. જ્યારે કેટામરન માટે પ્રતિ પેસેન્જર 290 રૂપિયા ચૂકવવા પડશે.તમને જણાવવુ રહ્યુ કે, નવી મુંબઈના બેલાપુરમાં લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર જેટી બનાવવામાં આવી છે.

MMBના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, શરૂઆતમાં 4 ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. તે જ સમયે, સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. જ્યારે સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે.