MANTAVYA Vishesh/ સ્વાસ્થને લઈ સરકાર સતર્ક ; 55 લાખ વિદ્યાર્થીઓનો હેલ્થ ડેટા બનશે

તો 1 મહિનામાં આ તમામ રેકર્ડ તૈયાર થશે અને આધારકાર્ડ નંબરથી આખો હેલ્થ ડેટા જોઈ શકાશે. જેના કારણે મુશ્કેલીનાં સમયમાં ડોક્ટરને બાળકોની સારવાર કરવામાં સરળતા રહેશે….

Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh

બાળકોમાં હાર્ટ-એટેકના કિસ્સાઓ સામે આવતા સરકાર એલર્ટ થઇ છે, અને હવે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનાં હેલ્થ ડેટાનો રેકર્ડ રખાશે…તો સ્કૂલના બાળકોના શૈક્ષણિક ડેટાની સાથે સાથે હવે હેલ્થ ડેટાનો રેકર્ડ પણ સરકાર રાખશે. કેન્દ્ર સરકારના UDISE પોર્ટલ પર હવે બાળકોનું નામ, સરનામું, આધારકાર્ડ નંબર, જન્મતારીખ સહિતની બાબતોની સાથે સાથે તે બાળકનું બ્લડગ્રુપ, હાઈટ, વજન સહિતની હેલ્થને લગતી બાબતો પણ અપલોડ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં જુદી જુદી નાની-મોટી બીમારીઓ જોવા મળી રહિ છે, જેમાં કુપોષણ, લોહીની ખામી અને તાજેતરમાં બાળકોમાં પણ હાર્ટ-એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે અને જેનાં પગલે સરકાર એલર્ટ થઇ છે. અને હવે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ ખાનગી શાળાઓના ધોરણ-1થી 8ના આશરે 55 લાખથી વધુ બાળકોનો હેલ્થ ડેટા એકત્રિત કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓને પણ સૂચના આપી દેવામાં આવી છે, અને સંભવત આગામી એક મહિનામાં રાજ્યભરમાંથી બાળકોના હેલ્થ ડેટાની વિગતો સરકાર પાસે આવી જશે. કેન્દ્રીય શિક્ષણ વિભાગની આ પહેલથી હવે માત્ર એક ક્લિકથી રાજ્યભરના ધોરણ 1થી 8ના બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત આંકડાઓ જાણી શકાશે. આવું કરવાથી બનાવટી પ્રોફાઈલ ઉપર રોક લાગશે અને બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જુદી જુદી બાબતોનું પણ નિરાકરણ કરી શકાશે.

હવે રાજ્યની દરેક સ્કૂલ માટે બાળકોનો હેલ્થ ડેટા અપલોડ કરવો ફરજિયાત છે. સ્કૂલના બાળકોનું બ્લડગ્રુપ, લંબાઈ અને વજન સહિતની હેલ્થ સંબંધિત બાબતો ઓનલાઈન કરવાથી ઈમર્જન્સીની સ્થિતિમાં બાળકની સારવાર કરવા સહિતની બાબતમાં સરળતા રહેશે. ઘણીવાર સ્કૂલ કે પ્રવાસમાં આવવા-જવા દરમિયાન થતા અકસ્માતના કિસ્સામાં બાળકોને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે, પરંતુ બ્લડગ્રૂપની તપાસ કરવામાં સમય લાગી જાય છે. આવી સ્થિતિમાં UDISE પોર્ટલ પરથી બાળકનો આધારકાર્ડ નંબર નાખવાથી તેનું બ્લડગ્રૂપ સહિતની વિગતો જાણી શકાય છે. ડોક્ટરને પણ બાળકનો ઈલાજ કરવામાં સરળતા રહે છે. આ તમામ કાર્યવાહિ કરવાની અને ડેટા અપડેટ કરવાની શાળાના આચાર્યોને જવાબદારી સોંપી છે.

આપને જણાવી દઈએ કે UDISE એ 11 અંકનો કોડ છે જેના આધારે વિદ્યાર્થીનો રેકર્ડ ટ્રેક થાય છે.UDISE નું પુરુ નામ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન છે. જે 11 અંકનો કોડ હોય છે. જેમાં પહેલા ત્રણ આંકડા રાજ્ય, બીજા ત્રણ આંકડાથી જિલ્લાની ઓળખ થાય છે. બાકીના આંકડા બ્લોક, ગામ, શહેર અને સ્કૂલની ઓળખ કરવા માટેના હોય છે. યુ-ડાયસ કોડ આધારકાર્ડના નંબર જેવો હોય છે જે છાત્ર મોડ્યુલ કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, બ્લોક અને સ્કૂલ સ્તર પર રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરે છે. આ યુ-ડાયસ નંબરના આધારે વિદ્યાર્થીના રેકર્ડ ટ્રેક કરવામાં મદદ મળે છે. તો આ નંબરના આધારે બનાવટી પ્રોફાઈલ પર રોક લાગે છે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓની સાચી સંખ્યા જાણી શકાય છે.

તો 1 મહિનામાં આ તમામ રેકર્ડ તૈયાર થશે અને આધારકાર્ડ નંબરથી આખો હેલ્થ ડેટા જોઈ શકાશે. જેના કારણે મુશ્કેલીનાં સમયમાં ડોક્ટરને બાળકોની સારવાર કરવામાં સરળતા રહેશે…. તો કુપોષણનું પ્રમાણ પણ આ રેકર્ડથી જાણી શકાશે..બાળકોના વજન અને લંબાઈની જાણકારી લેવાથી શિક્ષણ વિભાગ એ પણ જાણી શકશે કે બાળકની ઉંમર પ્રમાણે તેની લંબાઈ અને વજન બરાબર છે કે કેમ? હેલ્થ રેકર્ડની વિભાગ એ બાબતનો પણ અંદાજ લગાવી શકશે કે બાળકને જરૂરી આહાર મળી રહ્યો છે કે નહીં. કોઈ બાળક કુપોષણનો શિકાર તો નથી ને? તે બાબત પણ આ ડેટાના આધારે જાણી શકાશે. જો બાળકો કુપોષણનો શિકાર હોય તો તેના માટે શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા પોષણ સંબંધિત યોજનાઓ બનાવશે અને બાળકોને તેનો લાભ મળશે.

સાથે સાથે હીમોગ્લોબિનનું પ્રમાણ પણ આ રેકર્ડમાં દર્શાવવામાં આવશે..કેન્દ્રીય શિક્ષણ વિભાગના પોર્ટલ UDISE ઉપર ધોરણ 1થી 8ના બાળકોનો જે હેલ્થ ડેટા રેકર્ડ અપલોડ કરવાનો છે તેમાં બાળકની જાતિ એટલે કે વિદ્યાર્થી કે વિદ્યાર્થિની છે તે દર્શાવાશે. આ ઉપરાંત બાળકની ઉંમર, હાઈટ (CMમાં), વજન (કિ.ગ્રા.માં), BMI (Body mass index), હીમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તે પણ દર્શાવાશે. બાળકનું બ્લડગ્રુપ કયું છે એનો ઉલ્લેખ પણ હેલ્થ રેકર્ડમાં કરવામાં આવશે.

આમ હેલ્થ ડેટા સાથેનું બાળકનું રિપોર્ટ કાર્ડ બનશે તો વધુ માહિતી આપતા ગુજરાત સરકારના શિક્ષણ સચિવ વિનોદ રાવ કહે છે કે અમે શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય સંબંધિત ડેટા સંકલિત કર્યો છે અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં અમે દરેક વિદ્યાર્થી માટે આરોગ્ય ડેટા સાથે વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ જાહેર કરીશું.

આપને જણાવી દઈએ કે સામાન્ય રીતે અત્યાર સુધી હાર્ટ એટેકના કિસ્સા એક ઉંમરનો તબક્કો વટાવી ગયેલા લોકોમાં જ વર્તાતા હતાં. પરંતુ હવે આ ખતરો નાના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. જે ચોંકાવનારી બાબત છે. હાલમાં બાળકોને સ્કૂલે તથા ટ્યુશનમાં મોકલવામાં આવે છે અને જેથી બાળકો અભ્યાસની સાથે શારીરિક કસરત થાય તે પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરતા નથી જેથી બેઠાડું જીવનને લીધે ક્યાંક ને ક્યાંક આ હૃદય રોગના કિસ્સા સામે આવતા હોય છે.. બાળકોની હાલમાં એક્ટિવિટી ઘટી છે સાથે બાળકો જો કામગીરીમાં ન હોય તો પણ પોતે મોબાઈલમાં બેઠા હોય છે. ત્યારે આ પ્રકારની કામગીરીની પણ ખૂબ ગંભીર અસર પહોંચે છે. તાજેતરમાં ગુજરાતમાં એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વિદ્યાર્થીને શાળામાં લંચ દરમિયાન સીડી પર હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેવી જ રીતે આ વર્ષની શરૂઆતમાં તેલંગાણાના એક ગામમાં 13 વર્ષની બાળકીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. આમ દેશમાં બાળકોમાં હ્રદય રોગની વધતી જતી સંખ્યાએ બધાને ચિંતામાં મૂકી દીધા છે. અત્યાર સુધીમાં માતા-પિતાને બાળકોમાં હાર્ટ એટેક અંગે કોઈ જ ચિંતા નહોતી. પરંતુ હવે આવા કિસ્સાઓ તેમને પણ પરેશાન કરી રહ્યા છે. આમ થવા પાછળનું કારણ પણ નિષ્ણાતો પાસેથી જાણવું જરુરી છે કે બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કેટલાક બાળકો જન્મથી જ હાર્ટ એટેકનો શિકાર બને છે. જ્યારે માતા ગર્ભવતી બને છે, ત્યારે બાળકો જન્મજાત હૃદય રોગની ઝપટમાં આવે છે. બાળકોએ જીવનભર તેની સાથે જ જીવવું પડે છે. આ રોગમાં હૃદયની દીવાલો, વાલ્વ અને નળીઓને અસર થાય છે. જે હાર્ટ એટેકનું સૌથી મોટું જોખમ બની જાય છે. તો તંદુરસ્ત બાળકો પણ જન્મ સમયે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. તેની પાછળ માતા-પિતાની બેદરકારી પણ હોઈ શકે છે. બાળકોની સામે ધૂમ્રપાન, ખાવા-પીવામાં બેદરકારી, અસ્વસ્થ જીવનશૈલી, બાળકોને રમત-ગમત માટે ન મોકલવા, અભ્યાસનું દબાણ જેવા અનેક કારણોથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. આ કારણથી બાળકોમાં નાની ઉંમરથી જ બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ જોવા મળી રહી છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

ત્યારે હવે આપણે જાણી લઈએ કે બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો કેવા કેવા હોય છે? તો બાળતોને ત્વચા અથવા હોઠની નજીક વાદળી નિશાન પડવા, ખાવામાં તકલીફ પડે, હાંફ ચઢવો, થોડુ ચાલવાથી પણ શ્વાસ ચડી જવો, યોગ્ય રીતે શરીરનો વિકાસ ના થવો, ચક્કર, સાંધા અને છાતીમાં દુખાવો થવો આ તમામ લક્ષણો હાર્ટ એટેકનાં છે અને જો બાળકમાં હાર્ટ એટેકનાં લક્ષણો દેખાય તો માતા-પિતાએ તેની અવગણના કરવાનું ટાળવું જોઈએ અને બાળકોને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ અને ટેસ્ટ કરાવવા જોઈએ. ડૉક્ટરની સલાહ પર જ તેમના ખોરાક અને જીવનશૈલીને ગોઠવવી જોઈએ .

હાર્ટ એટેકનું મુખ્ય કારણ તણાવ, ચિંતા અને ટેન્શન પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં બાળકોને કોઈપણ પ્રકારનું તણાવ ન લેવા દો. બાળકોને ડાયટમાં ફળો, શાકભાજી, કઠોળ અને પ્રોટીનયુક્ત વસ્તુઓને સામેલ કરો. શિયાળાની આ ઋતુમાં બાળકોના આહારમાં સૂપ, શીરો જેવી ગરમ વસ્તુઓનો સમાવેશ કરો. અને બાળકોને નિયમિત કસરત કરવાની આદત બનાવી બાળકોને આઉટડોર એક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરો. આ ઠંડીની ઋતુમાં બાળકોને હાઇડ્રેટેડ રાખો. ડિહાઇડ્રેશન તેમના હૃદય પર દબાણ લાવી શકે છે. તેથી આવી સ્થિતિમાં બાળકોને નિયમિતપણે પાણી પીવડાવતા રહો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ