Political/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક નહિ અનેક પડકારો

ભાજપમાં સંગઠનની તાકાત મજબૂત છે તો કોંગ્રેસમાં સંગઠનના હજી ઠેકાણા નથી ભાજપની બી ટીમ તરીકે મેદાનમાં ઉતરવા ઘણા પક્ષો થનગને છે તો ભાજપનો પણ અસંતુષ્ઠો નડે તેવો ભય તો છે જ

Top Stories Trending Mantavya Vishesh
અબડાસા 12 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક નહિ અનેક પડકારો

ભાજપમાં સંગઠનની તાકાત મજબૂત છે તો કોંગ્રેસમાં સંગઠનના હજી ઠેકાણા નથી ભાજપની બી ટીમ તરીકે મેદાનમાં ઉતરવા ઘણા પક્ષો થનગને છે તો ભાજપનો પણ અસંતુષ્ઠો નડે તેવો ભય તો છે જ

ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીના પડઘમ ગમે ત્યારે વાગી શકે છે. પહેલા છ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરનો વારો છે. ત્યારબાદ ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો અને ૧૫૮ નગરપાલિકાઓની ચૂંટણી આવશે. મતદાર યાદી પ્રસિધ્ધ થઈ ગઈ છે. સુધારાઓ બાદ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે. મોટે ભાગે મકસંક્રાંત બાદ જાહેરનામું બહાર પાડી ફેબ્રુઆરીના અંત અગર માર્ચના આરંભમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું આયોજન કરાયું છે. જાે કે સત્તાવાર તારીખો હવે જાહેર થશે. ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે જે પૈકી જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓની ચૂંટણી ૨૦૧૯માં યોજાઈ ચૂકી છે. જૂનાગઢમાં ભાજપે ભવ્ય જીત મેળવી સત્તા હાંસલ કરી હતી તો ગાંધીનગરમાં સરખી બેઠક હતી પરંતુ ભાજપે એક કોંગ્રેસી બળવાખોરને મેયર બનાવી ખેલ પાડી દેતા ત્યાં હાલ ભાજપની સત્તા છે. જ્યારે બાકીના તમામ ૬ મહાનગરમાં પણ ભાજપનું શાસન છે અને કોંગ્રેસ વિરોધપક્ષે છે.

himmat thhakar સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક નહિ અનેક પડકારો

ગુજરાતની જે ૬ મહાનગરપાલિકાઓ છે તે પૈકી બહુ દુરની વાત ન કરીએ તો ૧૯૯૫થી જ વાત કરીએ તો તે વખતની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી તમામ મહાપાલિકાઓમાં ભવ્ય કહી શકાય તેવી જીત મેળવી હતી. ૧૯૯૫માં કેન્દ્રમાં પી.વી. નરસિંહરાવની અન્ય પક્ષોના ટેકાથી ચાલતી કોંગ્રેસી સરકારનું છેલ્લું વર્ષ હતું. ગુજરાતમાં ૧૯૯૫ની વિધાનસભા ચૂંટણી સમયે ૧૮૨માંથી ૧૨૧ બેઠકો સાથે ભાજપે તોતીંગ બહુમતી મેળવી કેશુભાઈ પટેલના વડપણ હેઠળ સરકાર રચી હતી. કોંગ્રેસ વિરોધ પક્ષે હતી. આમ ગુજરાતમાં સ્થાનિક અને રાજ્ય કક્ષાની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો જાે કે આ પહેલા ૧૯૯૧માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે ૨૬ પૈકી ૨૦ બેઠકો જીતી પોતાની તાકાત પૂરવાર કરી હતી. આમ ટુંકમાં ૧૯૯૫ની સાલમાં બીજા રાજ્યોમાં ગમે તે સ્થિતિ હોય પરંતુ ગુજરાતમાં તો ભાજપનો દબદબો હતો વર્ચસ્વ હતું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે તેના જ પડઘા પડ્યા હતા અને તેની અસર રૂપે ભાજપે શહેરો અને ગામડા બન્ને સ્થળે વિજયપતાકા લહેરાવી હતી.

આ પહેલા પણ અપવાદરૂપ સમયને બાદ કરતા ૧૯૮૫ બાદ ભાજપનું જ શાસન હતું. પરંતુ ૨૦૦૦માં યોજાયેલી મહાનગરોની ચૂંટણી સમયે પરિસ્થિતિમાં ફેર પડ્યો. જાે કે ગુજરાતમાં તો ૧૯૯૬થી ૧૯૯૮ સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાયા પછી લોકસભાની ચૂંટણીની સાથે યોજાયેલી ચૂંટણીમાં બહુમતી સાથે ભાજપે સત્તા કબ્જે કરી હતી અને કેશુભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી બન્યા હતા તો કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ અગ્રણી અટલબિહારી વાજપેયીની આગેવાની હેઠળ એન.ડી.એ.ની સરકાર સત્તા પર હતી. પરંતુ ૨૦૦૦ની ચૂંટણીમાં ભાજપને આંચકો લાગે તેવા પરિણામો આવ્યા હતા. છ મહાનગરો પૈકી અમદાવાદ અને રાજકોટમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. તો બાકીના ચાર મહાનગરોમાં ભાજપની સત્તા જળવાઈ હતી પરંતુ બેઠકો ઘટી ગઈ હતી. ભાવનગર અને જામનગરમાં તો માંડ માંડ બહુમતી જળવાઈ હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અપવાદરૂપ બે જિલ્લા પંચાયતોને બાદ કરતાં બાકીના તમામ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસની સત્તા આવી હતી. ૮૦ ટકા તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસે ૮૦ ટકા બેઠકો જીતીને ૧૯૯૫ના પરાજયનો બદલો બરાબર લઈ લીધો હતો ટુંકમાં ૨૦૦૦ની સાલમાં તો કોંગ્રેસને ૧૯૯૫ની ચૂંટણીના પરિણામોની દ્રષ્ટિએ મોટાભાગના સ્થળોએ વકરો એટલો નફો જેવી સ્થિતિ સર્જાી હતી.

૨૦૦૫ની ચૂંટણી સમયે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન આવી ચૂક્યું હતું. તો ગુજરાતમાં ૨૦૦૧ના ભૂકંપ બાદ ભાજપના મોવડી મંડળે કેશુબાપાના સ્થાને નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા હતા. તેમણે ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી જીતી બતાવી હતી. તેમના શાસનના પ્રારંભિક સમયગાળો એટલે કે ૨૦૦૫માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ છ મહાનગરો પર ફરી સત્તા કબ્જે કરી હતી. કોંગ્રેસની હાલત તે વખતે વધુ ખરાબ થઈ હતી. મોટા ભાગની જિલ્લા પંચાયતોમાં પણ ભાજપે સત્તા કબ્જે કરી હતી. ત્યારબાદ ૨૦૧૦માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી હતી ઉલ્ટાની અમુક સ્થળોએ તો ૨૦૦૦ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો મેળવી હતી. ત્યારબાદ ૨૦૧૫ના ડિસેમ્બર માસમાં જે ચૂંટણી યોજાઈ તેમાં વિવિધ કારણોસર ચિત્ર થોડુ બદલાયું હતું. ગુજરાતમાં સરકાર ભાજપની જ હતી પણ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હતા કારણ કે નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૪ની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભારતના વડાપ્રધાન બની ચૂક્યા હતા. પાટીદાર અનમામત આંદોલનના ઓછાયા વચ્ચે યોજાયેલી આ સ્થાનિક ચૂંટણીમાં ભલે મહાનગરોમાં કોંગ્રેસ સત્તા ન મેળવી શકી પરંતુ તમામ સ્થળે પોતાની તાકાત વધારી હતી. રાજકોટમાં તો કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી ગઈ હતી. પણ બહુમતી મેળવી શકી નહોતી. ભાવનગર અને જામનગરમાં પણ કોંગ્રેસની બેઠકો વધી હતી. સુરત વડોદરામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધી હતી. અમદાવાદમાં જાેકે કોંગ્રેસ ધારણા મુજબનો દેખાવ કરી શકી નહોતી. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો પૈકી ૨૩ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસની સત્તા આવી હતી જાે કે આ પૈકી પક્ષાંતરના કારણે પ્રમુખપદના બીજા તબક્કાની ચૂંટણી વખતે પાંચ અને ત્યારબાદ બે જિલ્લા પંચાયતો ગુમાવી પણ દીધી છે.

આમ તો મહાનગરો અને જિલ્લા પંચાયતની ચૂંટણી ૨૦૨૦ના ડિસેમ્બર માસમાં યોજાવાની હતી પરંતુ જે માસમાં જાહેરનામું બહાર પાડવાનું હોય છે તે ઓક્ટોબર માસમાં કોરોના કાળની અસર વધારે હતી. તેથી ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણી મોકુફ રાખી હતી. અત્યારે તમામ મહાનગરો અને જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોની મુદત પુરી થઈ હોવાથી વહિવટદારનું શાસન છે. મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશ્નરોને વહિવટદાર બનાવાયા છે જાે કે તેમને નીતિ વિષયક નિર્ણયો સિવાય વિકાસના કામો કરવાની સ્ટેન્ડીંગ કમિટિને જે સત્તાઓ હતી તે સોંપવામાં આવી છે. જ્યારે જિલ્લા પંચાયતોમાં જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને તાલુકા પંચાયતોમાં તાલુકા વિકાસ અધિકારીઓને વહિવટદાર બનાવાયા છે.

હવે જ્યારે મહાનગરોની ચૂંટણી માટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ સાથે વહિવટીતંત્રે ચૂંટણીની કવાયત શરૂ કરી છે તો બે મુખ્યપક્ષો ભાજપ અને કોંગ્રેસે પણ સ્થાનિક ચૂંટણીની કવાયત શરૂ કરી છે કોંગ્રેસે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ભાજપે ચૂંટણી કવાયતના ભાગરૂપે નિરીક્ષકો – પ્રભારીઓ નીમી દીધા છે તો બીજીબાજુ બુથના માઈક્રો પ્લાનીંગ સાથે પેજ સમિતિ રચી તેના પ્રમુખ તરીકે કેન્દ્રીય મંત્રીઓ રાજ્યના હોદ્દેદારો રાજ્યોના મંત્રીઓ સહિતના મહાનુભાવોને જવાબદારી સોંપી છે. ટુંકમાં ચૂંટણી કવાયતના ભાગરૂપે પ્રથમ સંગઠનને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે. જ્યારે કોંગ્રેસે તમામ જિલ્લાઓના આગેવાનો સાથે ચર્ચા કરી મહાનગરોમાં ચૂંટણી મેનીફેસ્ટો તૈયાર કરવા અને તેમાં ક્યા મુદ્દા સમાવવા તેની ચર્ચા થઈ. જાે કે મોટાભાગના મહાનગરોમાં હજી સંગઠનના હોદ્દેદારો બનાવાયા નથી. આથી અખબારો વિવેચકોને એવી ટીકા કરવાનો મોકો કોંગ્રેસે આપ્યો છે કે સંગઠનના ઠેકાણા નથી. કેટલાક વોર્ડોમાં વોર્ડ પ્રમુખો પણ નથી ત્યાં કોંગ્રેસ ચૂંટણી લડવા નીકળી છે.

ગુજરાતમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષો છે પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી તમામ મહાનગરોમાં ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે તેવી રીતે યુપીએના ઘટક પક્ષ એનસીપીએ અત્યારે તો અલગ લડવાની જ વાત કરી છે ભવિષ્યમાં થાય તે ખરૂ. બસપા અમુક સ્થળે લડશે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો પર વિજય અને ૨૫ બેઠકો પર જીત મેળવ્યા બાદ ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં મેદાનમાં ઉતરી છે. ભરૂચના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની પાર્ટી સાથે હાથ મેળવી ગુજરાતની સ્થાનિક ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેમણે ૨૦૧૭માં કોંગ્રેસ છોડી અલગ ચોકો જમાવ્યો છે તેમણે રચેલી સમિતિ પણ મહાનગરો અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ઝંપલાવશે ભાવનગર સહિતના કેટલાક શહેરોમાં સીપીએમ પણ મેદાનમાં ઉતરી શકે છે. ભલે મુખ્ય જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોવાનું કહેવાતું હોય પણ બીજા પક્ષો પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરવાના છે. જાે કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બન્નેને નુકસાન કરી શકે છે તો બાકીના પક્ષો કોંગ્રેસને વધુ નુકસાન કરી શકે તેવી શક્યતા છે ટુંકમાં ઘણા પક્ષો ભાજપની બી ટીમ તરીકે ભૂમિકા ભજવવા અત્યારથી જ તલપાપડ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…