Vadodara News: વડોદરા: વડોદરા જિલ્લામાં પર્યાવરણના ભોગે ચાલતી ફેક્ટરીઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક વલણ અપનાવ્યું છે. વડોદરાના પોઈચા ખાતે આવેલી સુદીપ ન્યુટ્રિશન પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈ પણ પરવાનગી વગર પ્રદૂષિત અને ઝેરી પાણી સીધું મહીસાગર નદીમાં છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ ત્વરિત પગલાં લઈને કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ કર્યો છે.
પાણીના સેમ્પલના રિપોર્ટમાં ગંભીર બેદરકારી ઉજાગર
મળતી માહિતી મુજબ, નદીમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદોના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર જઈને પાણીના નમૂના લીધા હતા. આ નમૂનાના લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેના પગલે બોર્ડ દ્વારા કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત 16 નવેમ્બરે ફટકારાઈ હતી નોટિસ
પર્યાવરણના નિયમોનું પાલન કર્યા વિના પ્રદૂષિત પાણી(Polluted water)નો નિકાલ કરવા બદલ તંત્ર દ્વારા ગત 16 નવેમ્બરે સુદીપ ન્યુટ્રિશન કંપની(Sudip Nutrition Company)ને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પર્યાવરણના કાયદાનું પાલન ન થતાં આખરે તંત્રએ કંપનીને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
નદીઓનું પ્રદૂષણ અટકાવવા GPCBની કડક ચેતવણી
રાજ્યમાં કુદરતી જળાશયો અને નદીઓને પ્રદૂષિત થતા અટકાવવા માટે તંત્ર વધુ સક્રિય બન્યું છે. સુદીપ ન્યુટ્રિશન કંપનીને પ્રદૂષિત પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવા અને પર્યાવરણ સુરક્ષા(Environmental Protection)ના તમામ કાયદાઓનું સખ્તાઈથી પાલન કરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી અન્ય ઉદ્યોગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: કેમિકલયુક્ત નગર બનવા તરફ? નિયમોનો અનાદર કરી નદીઓમાં ઝેરી પાણી છોડાતાં જીવસૃષ્ટિ અને સ્થાનિકો સંકટમાં
આ પણ વાંચો: કેમિકલ માફિયા બેફામ! રાજકોટની ભાદર નદીમાં ઝેરી પાણી ઠાલવી સરકારને આપી ‘ખુલ્લી ચેલેન્જ’
