Navsari News/ નવસારી કૃષિ યુનિવર્સિટીની શેરડીમાં સંકલિત રોગ નિયંત્રણ માટે માર્ગદર્શિકા

Sugarcane પકવતા ખેડૂતોએ વધુ પડતું પિયત કે પાણીની ખેંચ ટાળવી તેમજ વધુ નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ

Gujarat Others
Sugarcane

Navsari News : પાકમાં રોગ–જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત શેરડી (Sugarcane)ના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે લેવાના વિવિધ પગલાં અંગે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર શેરડી(Sugarcane)ની વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણની પસંદગી કરી રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઇએ. ઉનાળામાં જમીનની ઊંડી ખેડ કરી જમીનમાં રહેલા રોગકારકોને સૂર્યપ્રકાશના તાપથી નષ્ટ કરવા જરૂરી છે. ત્યારબાદ ત્રિસ્તરીય પદ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરવામાં આવેલા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ.

બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાનને 2 ગ્રામ પ્રતિ લિટર અથવા કાર્બેન્ડીઝમ 1 ગ્રામ પ્રતિ લિટરના દ્રાવણમાં 5 થી 10 મિનિટ સુધી બોળી પછી વાવેતર કરવું જોઈએ.

શેરડી પકવતા ખેડૂતોએ વધુ પડતું પિયત કે પાણીની ખેંચ ટાળવી તેમજ વધુ નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ. જમીનની જૈવિક પ્રક્રિયાઓ સક્રિય રાખવા માટે શણ અથવા ઇક્કડ જેવા લીલા પડવાશનો સમાવેશ કરવો તથા સુગર ફેક્ટરીઓ દ્વારા તૈયાર થતો એનરિચ બાયોકમ્પોસ્ટ ઉપયોગમાં લેવો જોઇએ.

આ ઉપરાંત સુકારા, રાતડા અને ટુકડાના સડા જેવા જમીનજન્ય રોગોના રોગકારકો લાંબા સમય સુધી જમીનમાં જીવંત રહેતા હોવાથી લાંબા ગાળાની પાક ફેરબદલી અપનાવવી જરૂરી છે. આવી અસરગ્રસ્ત જમીનમાં ડાંગરના બે પાક – ઉનાળુ અને ચોમાસુ તથા લીલો પડવાશ – ઇક્કડ કરી ત્યારબાદ ફરી શેરડીનું વાવેતર કરવું જોઇએ. સુકારા અને રાતડા રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમને પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરના દરથી ચાસમાં આપવા માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે.

રોગગ્રસ્ત શેરડી(Sugarcane)ની વહેલી કાપણી કરવી જોઇએ

વધુમાં જણાવ્યા અનુસાર, શેરડી(Sugarcane)ના ઉભા પાકમાં રોગની શરૂઆત જણાય તો રોગગ્રસ્ત ખેતરમાં લામપાક રાખવો નહીં અને તેમાંથી બિયારણ ન લેવું. શક્ય હોય તો રોગગ્રસ્ત શેરડી(Sugarcane)ની વહેલી કાપણી કરવી જોઇએ. રોગગ્રસ્ત ખેતરમાંથી તંદુરસ્ત ખેતરમાં પાણી જવા દેવું નહીં. રોગગ્રસ્ત આખા ઉભા પાકમાં ફૂગનાશક દવાનો ઉપયોગ બિનઅસરકારક અને ખર્ચાળ હોવાથી તેની ભલામણ કરવામાં આવતી નથી.

સુકારો, રાતડો અથવા ટુકડાના સડાનો ઉપદ્રવ જણાય તો રોગગ્રસ્ત જડીયાને મૂળ સાથે ઉખાડી નાશ કરી તે સ્થળે કાર્બેન્ડીઝમ 1ગ્રામ પ્રતિ લિટર દ્રાવણ બનાવી રેડવું જોઈએ. આ ઉપરાંત ચાબુક, આંજીયો રોગ જણાય તો ચાબુક પરનું ચળકતું આવરણ તૂટે તે પહેલાં જ અસરગ્રસ્ત જડીયાને ઉખાડી બાળી નાશ કરવો, કારણ કે પડ તૂટ્યા પછી બીજાણુઓ હવા અને કીટકો મારફતે ફેલાય છે. ચટાપટા, ઘાસીયા જડા અને લામવામતા જેવા વિષાણુજન્ય રોગોમાં રોગગ્રસ્ત છોડ દૂર કરી શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ગેરૂ, પાનના ટપકાં અથવા ઝાળ રોગ જણાય તો મેન્કોઝેબ 2 ગ્રામ પ્રતિ લિટરના દ્રાવણનો છંટકાવ કરવો જોઇએ.

આ દવાઓના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી જોઈએ. વધુ વિગતો મેળવવા રાજ્યના ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક- વિસ્તરણ, નાયબ ખેતી નિયામક-તાલીમનો સંપર્ક કરવા નવસારી કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.ચંદુલાલ ટીંબડિયા નિમણૂક, સંજીવ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કરાયા નિમણૂક

આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ વિજ્ઞાન મહત્વનો ભાગ:  કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો