અમદાવાદ: સૌરાષ્ટ્રના બહુચર્ચિત એવા મગફળી કૌભાંડમાં પોલીસ દ્વારા સમયાન્તરે એક પછી એક 22 (બાવીસ) વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નાફેડ (NAFED) અને ગુજકોટના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે તેમ રાજકોટ રૂરલ પોલીસના એસપી બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલામાં સૌરાષ્ટ્રના એરિયા મેનેજર મગન ઝાલાવાડિયા, ઉપરાંત નાફેડના ચેરમેન વાઘજી બોડાના ભત્રીજાનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામ નજીકના જયશ્રી ઈન્ટરનેશનલ વેર હાઉસ નામના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાં ધૂળ અને કાંકરાની ભેળસેળ મળી આવી હતી. જેના પગલે આ પ્રકરણમાં છેવટે ગુજકોટ દ્વારા જેતપુર તાલુકા પોલીસ મથકમાં સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આ મગફળી કૌભાંડના મામલે નાફેડમાં બે અધિકારી, ગુજકોટના બે અધિકારી અને વેર હાઉસના એક કર્મચારી સહિત 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 22 પૈકી 15 સભ્યો તો ધણેજ મંડળી સાથે જોડાયેલા જાણવા મળ્યું છે. જયારે બાકીના ચારમાં નાફેડ અને ગુજકોટના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આ મગફળી કૌભાંડ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલાની વિગતો જણાવી હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા મીણાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ કરતા અનેક ખુલાસાઓ થયા હતા. આ તપાસમાં નાફેડ અને ગુજકોટના 4 અધિકારીઓની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
જેતપુર તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેર હાઉસના મેનેજર મગન ઝાલાવાડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ તેમજ ચારથી વધુ અધિકારીઓ અને સહકારી મંડળીના ૧૫ થી વધુ સભ્યોનો પણ સમાવેશ થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
