ઉના/ ચાલુ વિજ વાયરમાં અડકી જતાં સિંહણનું મોત, બે ખેડૂતની ધડપકડ

આ વિસ્તારમાં અવાર નવાર શિકારની શોધમાં સિંહ સિંહણ, દીપડા પરીવારો સાથે અવર જવર કરતા હોય છે. અને ખેડૂતો આ પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે.

Gujarat Others

ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ રહેતો હોય અને અવાર નવાર આ વન્યપ્રાણી શિકારની શોધમાં સીમ વિસ્તારોમાં આંટાફેરા મારતા હોય છે. ગત ૧૩ ઓગષ્ટના ઉનાના ઉંટવાળા ગામની સીમમાં જંગલી પ્રાણી સિંહણનું શોર્ટ સક્રિટના કારણે મોત થયુ હતું. ત્યાર બાદ જશાધાર રેન્જના આર એફ ઓ એલ.બી. ભરવાડે તાત્કાલીક સિંહણનો મૃતદેહ કબ્જે કરી એનિમલકેર સેન્ટરમાં લાવી ધારી રેન્જના ડીએફઓ રાજદિપસિંહ ઝાલાને જાણ કરતા તાત્કાલીક દોડી આવ્યા હતા. ને ઉંટવાળા ગામની સીમમાં આવેલા પ્રવિણસિંહ જોરૂભાઇ ગોહીલની માલીકીની વાડીએ પહોચ્યા હતા.

ત્યાં પીજીવીસીએલ અધિકારીઓ અને વેન્ટેલેટરી ડોક્ટરોની ટીમ સાથે ઘટના સ્થળે તપાસ કરતા વાડીના માલીકે તેમજ જમીનમાં પાકનું વાવેતર કરતા ભાગીયા લખમણ ભગવાન સોલંકીની પુછપરછ સાથે રાખીને કરતા વાડીમાં પાક રક્ષણ માટે ચારે તરફ લોખંડના તારની વાડ બનાવેલ હોય તેમાં વિજવાયરનો શોર્ટ ચાલુ રાખ્યો હતો. અને રાત્રી દરમિયાન આ વિસ્તારમાં અવર જવર કરતા વન્યપ્રાણી સિંહણ તારને અડી જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું  હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ તાત્કાલીક વન્ય રક્ષણ પ્રાણી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી પ્રવિણ જોરૂભા ગોહીલ અને લખમણ ભગવાન સોલંકીની ધડપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. ઘટના સ્થળેથી વિજ વાયરો અને અન્ય મુદામાલ કબ્જે કરી વધુ રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીના વધુ રીમાન્ડ ના મંજુર કરી જેલ હવાલે કર્યા હતા.

સનખડા રેન્જમાં ૩૫ થી વધુ વન્યપ્રાણીનો વસવાટ…
સનખડા ઉંટવાળા, કાણકબરડા, ગાંગડા, ગરાળ સહીતના ગ્રામિણ વિસ્તારોમાં અંદાજીત ૩૫ થી ૪૦ જેટલા સિંહ –સિંહણ, દીપડા જેવા ખૂંખાર વન્યપ્રાણીનો વસવાટ કાયમી માટે રહેતો હોય અને આ વિસ્તારમાં અવાર નવાર શિકારની શોધમાં સિંહ સિંહણ, દીપડા પરીવારો સાથે અવર જવર કરતા હોય છે. તેવું વન્ય અધિકારી એલ બી ભરવાડે  જણાવ્યુ હતું.

ખેડૂતોના પાક રક્ષણ માટે ઝટકા મશીન લગાવાય છે

સીમ વિસ્તારમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, ઘઉં, બાજરી સહીતના ખરીફ પાકોના વાવેતર કરવામાં આવે છે. અને આ વાવેતરમાં જંગલી ભુંડો તેમજ રોઝ અને અન્ય જંગલી પ્રાણીઓ ઘુસી જતાં હોય છે. અને ખેડૂતોના ઉગતા પાકને નુકસાન કરી નાશ કરી દેતા હોય છે. તેના રક્ષણ માટે ખેડૂતોને વાડીમાં ઝટકા મશીન મુકી જાનવરોથી પાકોનું રક્ષણ પણ થાય અને વન્યપ્રાણી પણ સુરક્ષીત રહે છે. પરંતુ ઉંટવાળા ગામે ચાલુ વિજ પાવરના તાર લગાવેલ હોવાથી સિંહણનું મોત થયુ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું.