Gandhinagar News: ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly) ચોમાસુ સત્રના અંતિમ દિવસે વિવિધ વિભાગોના પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યને લગતા અનેક મહત્વના આંકડા સામે આવ્યા છે. કેગના ઓડિટ રિપોર્ટ (CAG Report Gujarat) અને સરકાર દ્વારા ગૃહમાં આપવામાં આવેલા જવાબોમાં પીવાના પાણીની ગુણવત્તા, જળ જીવન મિશનની કામગીરી, રાજ્યના વધતા દેવા, ગીરના સિંહોના મોત, શિક્ષણ, સહકારી મંડળીઓ અને મનરેગા સહિતના મુદ્દાઓ પર ચોંકાવનારી વિગતો સામે આવી છે.
રાજ્યનું જાહેર દેવું રૂ4.30 લાખ કરોડે પહોંચ્યું
સરકારી આંકડા મુજબ ગુજરાતનું જાહેર દેવું વર્ષ 2024-25માં રૂ3,74,845 કરોડ હતું. 2025-26ના સુધારેલા અંદાજ મુજબ આ દેવું વધીને રૂ4,30,320 કરોડ થઈ ગયું છે. સરકારે 2024-25માં દેવા પર રૂ25,604 કરોડ વ્યાજ અને રૂ29,126 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું. જ્યારે 2025-26ના સુધારેલા અંદાજ મુજબ વ્યાજ પેટે રૂ27,095 કરોડ અને મુદ્દલ પેટે રૂ34,025 કરોડ ચૂકવવાનો અંદાજ છે.
Gujarat Assembly: પીવાના પાણીના 26 ટકા નમૂના અયોગ્ય
પીવાના પાણીની ગુણવત્તાને લઈને કેગના ઓડિટમાં પણ ગંભીર બાબતો સામે આવી છે. ચોમાસા પહેલાં લેવાયેલા પાણીના નમૂનાઓમાંથી 26 ટકા નમૂના અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચોમાસા બાદના પરીક્ષણમાં 24 ટકા નમૂના ફેઇલ થયા હતા.રાજ્યના 249 તાલુકાની સામે માત્ર 46 તાલુકામાં જ પાણી પરીક્ષણની પ્રયોગશાળા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત 39,468 પાણીના સ્ત્રોતોમાંથી 72 ટકાથી વધુ સ્ત્રોતોનું જીઓ-ટેગિંગ કરવામાં આવ્યું નથી. વર્ષ 2020-21માં કુલ પાણી પુરવઠાના 10.47 ટકા એટલે કે 10,555 મિલિયન લિટર પાણી વહન દરમિયાન વેડફાયું હતું. તેમ છતાં જાન્યુઆરી 2025 સુધી નવેસરથી વોટર ઓડિટ કરવામાં આવ્યું નહોતું.
જળ જીવન મિશનમાં રૂ72.97 કરોડની વધુ ચૂકવણી
જળ જીવન મિશનની (Jal Jeevan Mission Gujarat) કામગીરીમાં કેગે નાણાકીય અનિયમિતતા પણ નોંધાવી છે. ખોટો જથ્થાબંધ ભાવાંક લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને રૂ54.32 કરોડની વધુ ચૂકવણી થઈ હતી.જ્યારે જીએસટીના અયોગ્ય દર લાગુ કરવાના કારણે વધુ રૂ18.65 કરોડ ચૂકવાયા હતા. આમ કુલ રૂ72.97 કરોડની વધુ ચૂકવણી થઈ હોવાનું ઓડિટમાં સામે આવ્યું છે.આ ઉપરાંત 11 મુખ્ય જૂથ પાઇપલાઇન યોજનાઓમાંથી 5 યોજનાઓ પૂર્ણ કરવામાં 8થી 25 મહિના સુધીનો વિલંબ થયો હોવાનું પણ નોંધાયું છે.
જળ જીવન મિશનમાં રાજ્ય સરકાર દ્વારા નિયત સમયસર ફાળો જમા ન કરાવતા ગુજરાતને રૂ3,179.31 કરોડના કેન્દ્રીય ભંડોળથી વંચિત રહેવું પડ્યું હોવાનું કેગના અહેવાલમાં જણાવાયું છે.રાજ્યમાં 18,024 ગામોને 100 ટકા ‘હર ઘર જલ’ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ઓગસ્ટ 2025 સુધી તેમાંના 16,920 ગામો એટલે કે 93.87 ટકા ગામોનું જ ચકાસણી કાર્ય પૂર્ણ થયું હતું. વધુમાં 71,842 ઘરોમાં વાસ્તવિક ઘરેલું નળ જોડાણ ઉપલબ્ધ ન હોવાનું ઓડિટમાં સામે આવ્યું છે.
ચાર વર્ષ સુધી જળ જીવન મિશનની એપેક્સ કમિટીની બેઠક નહીં
જળ જીવન મિશનની દેખરેખ માટે રચાયેલી એપેક્સ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની 2020થી 2024 દરમિયાન એક પણ બેઠક યોજાઈ નહોતી.જિલ્લા સ્તરે 55 બેઠકો યોજવાની જોગવાઈ સામે માત્ર 6થી 36 બેઠકો જ યોજાઈ હતી. ગ્રામ્ય સમિતિઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યોગ્ય પ્રતિનિધિત્વ અંગે પણ ઓડિટમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે.બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં બાકી પાણી વેરામાં પણ 70.05 ટકાનો વધારો થયો છે. બાકી વેરાની રકમ રૂ139.11 કરોડથી વધીને રૂ236.55 કરોડ થઈ ગઈ છે.
એક વર્ષમાં 28 સિંહબાળ સહિત 62 સિંહોના મોત
ગીર સહિત રાજ્યમાં સિંહોના મોત અંગે પણ વિધાનસભામાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ગંભીર બીમારીઓના કારણે 17 નર, 17 માદા અને 28 સિંહબાળ મળીને કુલ 62 સિંહોના મોત થયા હોવાનું વન વિભાગે જણાવ્યું છે.સિંહોમાં સેપ્ટિસેમિયા, હેમોરેજિક ન્યુમોનિયા, એનિમિયા તેમજ કિડની અને લિવર ફેલ્યોર જેવી બીમારીઓ જોવા મળી હતી.
સંક્રમણ અટકાવવા માટે સાસણ, જામવાળા, જસધાર અને સક્કરબાગ ખાતે વિશેષ સારવાર કેન્દ્રો ઉભાં કરવામાં આવ્યા છે. અહીં લોહીના નમૂનાની તપાસ, રસીકરણ અને સિંહોના ટ્રેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નમો લક્ષ્મી યોજનામાં 10.49 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને સહાય
શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ નમો લક્ષ્મી યોજના હેઠળ 10.49 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રૂ572.93 કરોડની સહાય આપવામાં આવી છે.વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 85,946 કન્યાઓને નમો સરસ્વતી યોજના હેઠળ રૂ106 કરોડ આપવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેડિકલના તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ29.38 કરોડની સહાય આપવામાં આવી છે. 31 જુલાઈ 2026 સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5 માટે 5,546 અને ધોરણ 6થી 8 માટે 7,232 મળી કુલ 12,778 વિદ્યાસહાયકો અને શિક્ષકોની ભરતી પૂર્ણ કરવામાં આવી છે.
સહકાર વિભાગના આંકડા મુજબ રાજ્યમાં કુલ 91,578 સહકારી મંડળીઓ નોંધાયેલી છે. તેમાંથી 7,889 સહકારી મંડળીઓ હોદ્દેદારોના રસના અભાવ અથવા પેટા-કાયદાના ઉલ્લંઘન સહિતના કારણોસર ફડચામાં જતાં બંધ હાલતમાં છે.
24,644 મનરેગા શ્રમિકોના વેતનનું કન્ફર્મેશન પેન્ડિંગ
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નોંધાયેલા 1.75 લાખથી વધુ મનરેગા શ્રમિકો અંગે પણ વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી.તેમાંથી 24,644 શ્રમિકોના વેતન ચૂકવણીનું કન્ફર્મેશન પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. આ માટે ફંડ ટ્રાન્સફર ઓર્ડર જનરેટ કરીને પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમમાં આગળ મોકલવામાં આવ્યા હોવાનું સરકાર તરફથી જણાવાયું છે. આમ, વિધાનસભાના અંતિમ દિવસે રજૂ થયેલા આ આંકડાઓમાં એક તરફ શિક્ષણ અને ભરતી ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો સામે આવી છે, તો બીજી તરફ પીવાના પાણીની ગુણવત્તા, જળ જીવન મિશનની ખામીઓ, વધતું દેવું અને સિંહોના મોત જેવા ગંભીર મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.
આ પણ વાંચો: ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલ પર વિધાનસભામાં ઘમાસાણ, કોંગ્રેસે સરકારને ઘેરી
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો બીજો દિવસ; આજે 4 મહત્વના બિલ રજૂ થશે
