Gujarat News : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં અરબ સાગરમાં લોપ્રેશર બન્યું હોવાથી હવે તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. હાલમાં અરબ સાગરમાં વાવાઝોડુ બને તેવા પરિબળો સક્રિય છે. જેને પગલે આ લોપ્રેશર વાવાઝોડું બની શકે છે. જો વાવાઝોડું બનશે તો શ્રલંકા તરફથી તેને સખતી નામ આપવામાં આવશે.
રાજ્યમાં ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 21મેના મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. જે 22મેના લો- પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમને સક્રિય બનાવવામાં તમામ પરિબળો અનુકૂળ હોવાથી ચક્રવાત બનવાની પૂરી શક્યતા રહેલી છે.
આ વાવાઝોડું મુંબઈ- ગોવા વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવશે. 24થી 28 મે વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ સર્જાશે. આ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંતોનું માનીએ તો અરબી સમુદ્રમાં રચાવા જઈ રહેલું સર્ક્યુલેશન ચોમાસાને વહેલા આગમન માટે મદદરૂપ થશે. અરબી સમુદ્રનું હાલનું તાપમાન 29થી 30 ડિગ્રી છે. 26 ડિગ્રીથી ઉપરનું તાપમાન ટ્રોપિકલ સાયક્લોન ડેવલોપમેન્ટ માટે યોગ્ય ગણાય છે. આ ઉપરાંત વાતાવરણની અસ્થિરતા, નીચેથી ઉપર જતા પવનની દિશા અને ગતિમાં ઓછો તફાવત તેમજ વાતાવરણના નીચલા લેવલ પર ચોમાસાના ભેજવાળા પવનો આ તમામ પરિબળોના કારણે ચોમાસાના વહેલા આગમન માટે મદદરૂપ થશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
