ગાંધીનગર,
પાટણ જીલ્લાની કલેકટર કચેરી બહાર ન્યાયની માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરનાર દલિત કાર્યકર ભાનુપ્રસાદ વણકરનું મોત નીપજ્યું છે. ગુરુવારે આત્મવિલોપન કરનાર આ દલિત કાર્યકરને ગંભીર હાલતમાં ગાંધીનગરની એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું નિધન થયું હતું. બીજી બાજુ આ દલિત કાર્યકરના નિધન બાદ દલિત સમુદાયના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
સારવાર દરમિયાન થયેલા ભાનુપ્રસાદના નિધન બાદ દલિત સમુદાયના લોકો દ્વારા અમદાવાદમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ઓઢવ વિસ્તારમાં લોકોએ ટાયર સળગાવી વિરોધ કર્યો હતો તેમજ જમીન સોંપણીની કરવામાં આવી માંગ પણ કરી હતી.
અમદાવાદ ઉપરાંત ઉજામાં પણ આ વિરોધનો પડઘો જોવા મળી રહ્યો છે. ઉજામાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક મહિલાઓ દ્વારા રસ્તા પર આવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઊંઝામાં દલિતસમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર અને મોદી હાય હાય ના નારા લગાડ્યા હતા.
પાટણમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર આવી ચક્કાજામ કર્યો હતો તેમજ બનાસકાંઠાના સિહીં ગામ પાસે લોકોએ બસમાં તોડફોડ કરી હતી.
ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં ભાનુભાઇના પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ સમયે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટ્યા હતા અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની તેમજ ભાનુભાઈના પરિવારજનોને વળતર આપવાની માંગ કરી હતી.
બીજી આ ઘટનાને પગલે સરકાર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગર, પાટણ અને ઉંઝામા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પાટણ જીલ્લાના દદુઆ ગામનો દલિત પરિવાર છેલ્લા ૬ મહિનાથી જમીન મામલે પોતાની ન્યાયની માંગણી કરી રહ્યો હતો. ત્યારે આ માંગણી ન સંતોષાતા કલેકટર કચેરી બહાર દલિત સમુદાયના ભાનુપ્રસાદ નામના વ્યક્તિએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
