ભાવનગર,
આજે ભાવનગરના દેસાઈનગરના ઋષિરાજનગર, ગુરુનગર જેવા વિસ્તારોમાં ગત રાત્રીના સમયે બે કે ત્રણ બાઈક પર આવેલા છ જેટલા લુખ્ખા તત્વોએ આ વિસ્તારમાં પાર્ક કરેલી ૧૦ થી વધુ ગાડીઓના કાચ પથ્થરો વડે તોડી નાખી આતંક મચાવ્યો હતો.
ભાવનગરમાં આજે ફરી લુખ્ખાઓ એ આતંક મચાવ્યો હતો. ગત રાત્રીના ૨ વાગ્યાની આસપાસના સમયે લોકો ભર ઊંઘમાં હોય ત્યારે બે કે ત્રણ બાઈક પર દેસાઈનગરના ઋષિરાજનગર, ગુરુનગરમાં લુખ્ખાઓ ત્રાટક્યા હતા અને ઘરની બહાર પાર્ક કરેલી કારોના કાચ પર મોટા પથ્થરો અને ઈટો વડે કાચ તોડી તેમજ કારો ને નુકશાન કરી નાસી છૂટ્યા હતા.

આ બનાવના પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં લુખ્ખા તત્વો આતંક સર્જી નાસી છૂટ્યા હતા. અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે અને તે સમયે પણ સ્થાનિકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પણ કોઈ કાર્યવાહી ન થતા આજે આજે રોષે ભરાયેલા સ્થાનિકો એ વધુ પેટ્રોલિંગ ની માંગ કરી છે. આ બનાવના પગલે કાર માલિકો બોરતળાવ પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

શહેરના દેસાઈનગરના ઋષિરાજનગર, ગુરુનગર સહિત વિસ્તારોમાં ધોળે દિવસે છેડતીના બનાવો પણ બની રહ્યા છે પરંતુ પોલીસ ને આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં રસ ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરમાં સુશાસન જળવાય તે હેતુથી પોલીસ તેની યોગ્ય ફરજ નિભાવે તેવી લોકમાંગ ઉઠી છે.
