દિલ્હી,
ઉત્તર પ્રદેશમાં હાલમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ ભાજપની બેઠક શુક્રવારે યોજાવા જઇ રહી છે. દીનદયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત ભાજપના નવા કાર્યાલય ખાતે સંસદીય દળની બેઠક મળશે.આ મીટીંગમાં ભાજપના હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે.આ મીટીંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે અને પીએમએ બધા મંત્રીઓને હાજર રહેવા જણાવ્યું છે.આ બેઠકમાં પીએમ મંત્રીઓને લોકો વચ્ચે સરકારની યોજનાઓ અંગેની જાણકારી પહોંચાડવાની વાત જણાવવામાં આવશે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આ દરમિયાન મોદી સાંસદો અને મંત્રીઓને દેશમાં રાજકીય સ્થિતિ પર ફીડબેક લઈ શકે છે.
સામાન્ય રીતે ગૃહની કામગીરી દરમિયાન પાર્ટીના સંસદીય દળની બેઠક દર મંગળવારે યોજાય છે. પણ, આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે તેમાં વિધાનસભા ચૂંટણી સહિત 2019ની લોકસભા ચૂંટણી પર પણ ચર્ચા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ગઢ સમાન યુપીની ગોરખપુર બેઠક પર ભાજપની હાર બાદ આગામી 2019ની લોકસભાની ચૂંટણીને લઇને પક્ષમાં પ્રશ્નો ઉઠી રહ્યાં છે…ત્યારે પીએમ મોદી આગામી 2019 લોકસભાની ચૂંટણીને લઇને નવી રણનીતિ અંગે આ સંસદીય દળની બેઠકમાં ચર્ચા કરે તેવી શક્યતા જોવા મળી રહી છે
