અમદાવાદ: પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા નજીક શનિવારે મોડી રાત્રે એક કાર નાળામાં ખાબકી હતી જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ કાર અકસ્માતમાં એક પરિવારના સાત સભ્યોના મોત નીપજ્યા છે. મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ સહિતના કાફલાએ ઘટનાસ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા-શિવરાજપુર રોડ ઉપર શનિવારે મોડી રાત્રે એક કાર નાળામાં ખાબકી હતી. જેના પગલે કારમાં સવાર એક જ પરિવારના સાત વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક બચાવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બચાવ દળે અકસ્માતગ્રસ્ત કારમાંથી સાત વ્યક્તિના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે કાર ચાલક અને એક બાળકીની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, બોડેલીનો ખત્રી પરિવાર પોતાના સંબંધીને મળવા માટે હાલોલ ખાતે ગયો હતો. શનિવારે રાત્રે હ્હાલોલથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર જાંબુઘોડા-શિવરાજપુર રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક તેમની કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના લીધે તેમની કાર રોડની બાજુમાં આવેલા નાળામાં ખાબકી હતી. જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો.
નાળામાં વરસાદી પાણી ભરેલું હોવાના કારણે કારમાં સવાર સાત નાના-નાના બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના રોડની બાજુમાં મોટા મોટા નાળા અને ખાડા હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહેલો છે.