Gujarat News:ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆત જોરદાર ઠંડીથી થઈ છે.ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના આંતરિયાળ વિસ્તારોમાં રાત્રે તાપમાન ઝડપથી નીચે ઉતરી રહ્યું છે.હવામાન વિભાગ અનુસાર “7 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીની અસરમાં નોંધપાત્ર વધારો થશે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનો સતત ફૂંકાતા રહેશે, જેના કારણે આગામી એક સપ્તાહમાં રાત્રિનું તાપમાન 2-4 ડિગ્રી વધુ ઘટવાની શક્યતા છે.”
દાહોદમાં સૌથી ઓછું તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 12.6 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 13.2 ડિગ્રી, કંડલામાં 13.2 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદરામાં 14.1 ડિગ્રી, અમદાવાદમાં 15.8 ડિગ્રી અને કેશોદમાં 16.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર,પૂર્વ દિશાના પવનોને કારણે ઠંડી વધુ તીવ્ર બનશે અને રાજ્યભરમાં 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડીનો દોર સામાન્ય રીતે 7 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ઠંડીની અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ, કચ્છના નલિયામાં નોંધાયું હતું. અમદાવાદમાં પણ 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 7 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે.
આગામી 24 કલાક સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો નીચે ગયો છે. 48 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વહેલી સવારે તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે, ત્યારબાદ બપોરે હળવો સૂર્યપ્રકાશ જોવા મળશે અને સાંજે ઠંડી (Cold) ફરી તીવ્ર બનશે. પહાડી વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. તાપમાનમાં વધઘટને કારણે લોકો શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો અનુભવી રહ્યા છે.
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે, અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબ માટે શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ માટે તીવ્ર શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં લોકો સૌથી વધુ તીવ્ર ઠંડી અનુભવી રહ્યા છે. 12 જિલ્લામાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન નોંધાયું છે, જેમાં રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ અને ઇન્દોરમાં પણ ઠંડી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશના રાજગઢમાં તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. છત્તીસગઢના સુરગુજા પ્રદેશ માટે પણ શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે, અને પેન્દ્રામાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
7થી 10 ડિસેમ્બર રાત્રિનું તાપમાન 11-14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને દાહોદમાં. આ સિવાય 11 થી 15 ડિસેમ્બર ઉત્તર ભારતથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ઠંડા પવનો વધુ તીવ્ર થશે. કચ્છ-ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ પારો 8-10 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

