Gujarat Agriculture Land Inheritance Stamp Duty: ગુજરાતમાં ખેતીની જમીનના વારસાઈ વ્યવહારોને લઈને વર્ષોથી ચાલી આવતી જટિલ પ્રક્રિયા અને મોંઘી સ્ટેમ્પ ડ્યુટીમાંથી હવે ખેડૂતોને મુક્તિ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં માતબર રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.
વારસાઈ (Inheritance) વહેંચણી હવે સસ્તી અને સરળ
અત્યાર સુધી જંત્રીના ઉંચા દરને કારણે વારસાઈ જમીનની વહેંચણી કે નામ દાખલ કરાવવું મધ્યમ અને ગરીબ ખેડૂતો માટે ખૂબ ખર્ચાળ હતું. જોકે, નવા નિયમ મુજબ હવે સીધી લીટીના વારસદારો (પિતા-પુત્ર, દાદા-પૌત્ર) અને તેમની ગેરહાજરીમાં આડી લીટીના વારસદારો (ભાઈ-બહેન) વચ્ચે થતા વ્યવહારોમાં આ રાહત મળશે. હવેથી હક્ક પરિવર્તન, નામ દાખલ કરવું કે મિલકત વહેંચણી જેવા દરેક વ્યવહારમાં માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટી જ લાગુ પડશે. ઓછી ડ્યુટી હોવાને કારણે હવે લોકો કાયદેસર નોંધણી કરાવવા પ્રેરાશે, જેનાથી ભવિષ્યમાં કૌટુંબિક વિવાદો અને કોર્ટ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

ગણોતિયાઓ માટે પણ મોટા સમાચાર
મુખ્યમંત્રીએ ગણોતિયાઓના હિતમાં પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે ગણોતિયાઓએ અજ્ઞાનતાના કારણે હજુ સુધી ખરીદ કિંમત ભરપાઈ નથી કરી, તેમને કાયદેસરના માલિક બનવાની વધુ એક તક મળી છે. આ નવી મુદત અંતર્ગત, ખરીદ કિંમત ભરપાઈ કરવાની છેલ્લી તારીખ જે 31 ડિસેમ્બર-2025 ના રોજ પૂર્ણ થતી હતી, તેને વધારીને હવે 31 ડિસેમ્બર-2026 સુધી લંબાવવામાં આવી છે. આ વધારાના સમયગાળામાં કિંમત ભરીને ખેડૂતો જમીનના કાયદેસર માલિક બની શકશે, જેનાથી ભવિષ્યમાં જમીન વેચાણ કે બિન-ખેતી (NA) કરાવવામાં આવતી મુશ્કેલીઓ દૂર થશે.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ખેડૂત સંગઠનો અને ભારતીય કિસાન સંઘ દ્વારા લાંબા સમયથી જંત્રી આધારિત ડ્યુટી ઘટાડવા રજૂઆતો કરવામાં આવી હતી. સરકારના આ પગલાથી ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વેગ મળશે અને જમીન મહેસૂલના રેકોર્ડ વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે.
