Not Set/ રેત માફિયાઓના ખાડાઓ બન્યા જીવલેણ, સાબરમતી નદીમાં વધુ પાંચ યુવક ડૂબ્યા

સાબરમતીમાં રેત માફિયાઓએ ખોદેલા ખાડાઓ બન્યા જીવલેણ ગાંધીનગર: અમદાવાદમાં સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. જેના કારણે મોટા ભાગનાં લોકો દ્વારા ગણેશ મૂર્તિઓનું વિસર્જન ગાંધીનગરનાં કરાઇથી ભાટ ગામ વચ્ચેનાં વિસ્તારમાં કરવામાં આવી રહ્યુ છે. જેના લીધે આ જગ્યાએ સતત ધસારો જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં રેત […]

Top Stories Ahmedabad Gujarat Trending Navratri 2022
Five more youths drowned in Sabarmati River

સાબરમતીમાં રેત માફિયાઓએ ખોદેલા ખાડાઓ બન્યા જીવલેણ

ગાંધીનગર: અમદાવાદમાં સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. જેના કારણે મોટા ભાગનાં લોકો દ્વારા ગણેશ મૂર્તિઓનું વિસર્જન ગાંધીનગરનાં કરાઇથી ભાટ ગામ વચ્ચેનાં વિસ્તારમાં કરવામાં આવી રહ્યુ છે. જેના લીધે આ જગ્યાએ સતત ધસારો જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં રેત માફિયાઓ દ્વારા નદીમાં ખોદવામાં આવેલા ખાડાઓનાં કારણે વિસર્જન માટે આવતા ભાવિકોના મૃત્યુની હારમાળા સર્જાઈ રહી છે. આ મોતની હારમાળામાં શુક્રવારે અમદાવાદનાં પાંચ યુવકો ડુબ્યા હતા. જેમાંથી ચાર યુવકનાં મૃતદેહો મળી આવ્યા છે. જયારે અન્ય એક યુવકના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.

કરાઈ નજીક વિસર્જનમાં અમદાવાદના પાંચ યુવક ડૂબ્યા 

ફાયરબ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, શુક્રવારે સાજે ચાર વાગ્યા બાદ અમદાવાદથી ગણેશ વિસર્જન માટે આવતા લોકોની સંખ્યા વધી ગઈ હતી. આ ગણેશ વિસર્જન વખતે અમદાવાદના પાંચ યુવકો સાબરમતી નદીમાં અચાનક ખાડામાં ડૂબી રહ્યા હોવાની માહિતી મળી હતી.

આ માહિતી મળતા જ ગાંધીનગર તથા અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જોકે અહીં ખાડા ઊંડા હોવાની સાથોસાથે પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ફાયરબ્રિગેડની ટીમો માટે યુવકોને શોધવા માટેની કામગીરી ઘણી અઘરી બની રહી હતી.

જોકે ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમોએ ચાર યુવકોના મૃતદેહને શોધી કાઢ્યા હતા. આ ચાર મૃતકોમાં પલક કિરણભાઈ પટેલ (ઉં.વ.28, રહે. ઘાટલોડિયા), યુવરાજ અશ્વિનકુમાર સોલંકી (ઉં.વ.17, રહે. સોલા) દિલીપ મનુભાઇ વાઘેલા (ઉં.વ.42, ચાંદખેડા) તથા ગોવિંદભાઈ (ઉં.વ.40)નો સમાવેશ થાય છે. અમદાવાદના એકસાથે ચાર યુવાનોનાં મોત નીપજવાના કારણે સ્થાનિક વિસ્તારનો માહોલ ગંભીર બની ગયો હતો. જયારે એક યુવકની મોડી રાત સુધી શોધખોળ ચાલુ હતી. જોકે આ પાંચમી વ્યક્તિ કોણ હોવાનું કોઈ જણાવી શક્યું નહોતું.

કરાઈથી ભાટ વચ્ચે સાબરમતીના પટમાં 8 દિવસમાં 16 વ્યક્તિ ડૂબી

અત્રે ઉલ્લેખનીય છે કે, સામા પાંચમથી માંડીને શુક્રવાર સુધીમાં કરાઇથી ભાટ વચ્ચે સાબરમતી નદીમાં ડૂબી જવાથી કુલ 16 વ્યક્તિનાં મોત થયા છે. ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં નદીમાં રેતીનાં ખાડા વધારે હોવાથી આ વિસ્તારમાં ડૂબવાનાં બનાવો સૌથી વધુ બન્યા છે.

અડાલજ પોલીસ દ્વારા પોતાની હદમાં કડક પહેરો ગોઠવીને કાળજી રાખવામાં આવી રહી છે. પરંતુ ઇન્ફોસિટી પોલીસ આ મામલે ગંભીર ન હોવાની વિગતો સામે આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરાઈ ખાતે ગણેશ વિસર્જન વખતે ગયા અઠવાડિયે જ અમદાવાદના વેજલપુરના યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં.

કરાઈથી ભાટ વચ્ચે નદીનો પટ જીવલેણ બન્યો

સામા પાંચમ એટલે કે ગત 18 સપ્ટેમ્બરથી કરાઈ અને ભાટ વચ્ચે આવેલા સાબરમતીના પટમાં કુલ 16 લોકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. થોડા સમય પહેલાં જ અહીં ગણપતિ વિસર્જન માટે આવેલા વેજલપુરના બે યુવકો ડૂબી ગયા હતા.

સ્થાનિક લોકોમાં ફરિયાદ છે કે, અહીં વારંવાર રેતી ખનન થતું હોવાથી નદી ઊંડી થઈ રહી છે અને ત્યાં આવતા અજાણ્યા લોકો નદીના આવા ઊંડાણથી અજાણ હોય છે અને તેથી અહીં ડૂબી જવાની ઘટનાઓ બનતી રહી છે. આમ કરાઈથી ભાટ વચ્ચેનો નદીનો આ પટ નદીમાં નાહવા પડતા કે વિસર્જનમાં આવતા લોકો જીવલેણ સાબિત થઈ રહ્યો છે.