રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના મામલાઓને લઈને રાજ્ય સરકારની આજે મહત્વની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બાબતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, મહિલાઓ સાથે થતા દુષ્કર્મ પ્રત્યે રાજ્ય સરકાર અત્યંત સંવેદશીલ છે. આવા માનવતા વિહોણું કામ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણી છે, અને આવા તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે, આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે.

તેમણે કહ્યું કે, આ તપાસ માટે ખાસ પેરવી ઓફીસરની નિમણૂંક પણ કરાશે. ભોગ બનનાર બાળકી 12 વર્ષથી નીચેની હોય, તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે.
મંત્રીશ્રી જાડેજાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં જે ઘટનાઓ ઘટી છે તેની તપાસ મહિલા પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ થઇ રહી છે, અને તેનું સુપરવિઝન મહિલા DCP અથવા DSP દ્વારા કરાશે. સાથે-સાથે ભોગ બનનાર બાળકીઓ જે 12 વર્ષથી નીચેની ઉંમરની હોય તો તેને રૂ. 4.50 લાખનું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
અત્ર ઉલ્લેખનીય છે કે, 18 વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અત્ર ઉલ્લેખનીય છે કે, 18 વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
