બીજેપી ના કોંગ્રેસ પર પ્રહાર/ વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજનૈતિક પરિવર્તનની શરૂઆતનો ગુજરાત સાક્ષી રહ્યું છેઃ સતીશ પુનિયા

આવનારી 2023ની રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ જવાની છે અને ભાજપાની પૂર્ણ બહુમત વાળી સરકાર રચાશે તેવો વિશ્વાસ પુનિયાએ વ્યક્ત કર્યો હતો

Top Stories Gujarat
2 30 વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજનૈતિક પરિવર્તનની શરૂઆતનો ગુજરાત સાક્ષી રહ્યું છેઃ સતીશ પુનિયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે આજરોજ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી.

આ પત્રકાર પરિષદને સંબોધતા પુનિયાએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત અને ગુજરાત પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજનૈતિક પરિવર્તનની શરૂઆતનો ગુજરાત સાક્ષી રહ્યો છે. કટોકટી કાળ હોય, ગુજરાત નવ નિર્માણનું આંદોલન હોય ગુજરાત હર હંમેશ સંઘર્ષમાં રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી એક મોડેલ રાજ્ય તરીકે દુનિયા સમક્ષ ઉપસી આવ્યું છે.

પુનિયાએ વધુમાં જણાવ્યું કે ગુજરાત મોડેલ દેશ અને દુનિયા સમક્ષ હતું તે કારણે 2014માં દેશની 130 કરોડની જનતાએ 30 વર્ષ પછી એક બહુમત વાળી સરકાર કેન્દ્રમાં ચુંટી નાખી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની વિકાસની હરણફાળ ભરવાનો એક સુવર્ણ મોકો આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહી ગુજરાતની સેવા કરી અને હવે 8 વર્ષથી દેશ સેવા કરી રહ્યા છે. દેશને પ્રાથમિક સુવિધાઓ તેમજ વૈચારિક આધારે બદલવાની નરેન્દ્ર મોદી શરૂઆત કરી અને તેના સુખદ પરિણામો આજે આપણી સામે છે. પુનિયાએ વધુમાં જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાનનો સંબંધ બે ભાઈ જેવો સંબંધ છે. પડોશી રાજ્ય હોવાના કારણે આર્થિક ગતિવિધિઓ તેમજ રાજકીય ગતિવિધિઓનો ખૂબ મોટો પ્રભાવ એકબીજા પર પડી રહ્યો છે અને પડતો આવ્યો છે.

પુનીયાએ વધુમાં જણાવ્યું કે રાજસ્થાનથી 160 જેટલા સિનિયર કાર્યકર્તાઓ ગુજરાત રાજ્યના નવ જિલ્લાની 46 જેટલી વિધાનસભા બેઠકો પર અત્યારે સક્રિય રીતે કાર્યરત છે. ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીના સંગઠન, ચૂંટણી પ્રબંધન, જનજાગરણ માટે તેઓ શ્રી રાજનૈતિક પ્રવુતિઓમાં કાર્યરત છે. તેમની સાથે આજે પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે એક અગત્યની બેઠક કરવામાં આવી અને આગામી ચૂંટણી સંબંધી માર્ગદર્શન આપીને રાજનૈતિક સંગઠનને કેવી રીતે જીતમાં પરિવર્તિત કરવું તે બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.  ગુજરાતના નાગરિકોએ જે રીતે રાજસ્થાનના નાગરિકોને અપનાવ્યા છે આર્થિક પ્રવૃત્તિઓમાં જોડ્યા છે તે અપનત્વ ભાઈચારો એ સામાજિક સમરસતાનો ખૂબ મોટો દાખલો છે. બંને રાજ્યો એકબીજાના પૂરક છે અને આ બોન્ડિંગના કારણે ખૂબ મોટા લાભો બંને રાજ્યોને ભવિષ્યમાં પણ થનાર છે.

પુનિયાએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગહેલોત પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે ગુજરાતમાં આવીને રાજસ્થાન મોડેલની પ્રજા સમક્ષ મૂકીને તેમણે જુઠ્ઠાણા ચલાવ્યા છે. રાજસ્થાનમાં ક્રાઇમરેટમાં ગેહલોત સરકારમાં ખૂબ વધારો થયો છે. રાજ્યમાં 7લાખ 97 હજાર જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રાજસ્થાનની કાનુન વ્યવસ્થાની પોલ ખોલી નાખતા આંકડા જારી કર્યા છે કે 6337 રેપ કેસ રાજસ્થાનમાં થયા છે તે દેશમાં સર્વાધિક છે, આમ જોવા જઈએ તો રોજના 17 બળાત્કારની એવરેજ આવે છે અને આટલાથી ન અટકતા દરરોજ 7 નાગરિકોના મર્ડર રાજસ્થાનમાં થઈ રહ્યા છે, અને હાલમાં જ આવેલ આંકડા મુજબ દર 12 કિલોમીટરે રાજસ્થાન સરકારના એક અધિકારીની ટ્રેપ થઈ રહી છે, રાજસ્થાનમાં 32% જેટલો સૌથી ઊંચો બેરોજગારી દર છે અને વિધાનસભાના ફ્લોર પર સ્વીકાર્યું કે 70 લાખ બાળકોએ વિવિધ પરીક્ષાઓ આપી તેમાંથી માત્ર એક લાખ બાળકોને રોજગારી તેઓ આપી શક્યા છે બાકી બચેલ 69 લાખ બાળકોને તે રોજગારી આપી શક્યા નથી.રાજસ્થાનમાં હોસ્પિટલો બીમાર છે,નિશાળો લાચાર છે અને જનતા બેરોજગાર છે. અશોક ગેહલોતે અગર આ મોડેલ ગુજરાતમાં લાગુ કરવા માંગતા હોય તો ગુજરાતની જનતાને ચેતવાની જરૂર છે.

પુનીયાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરતા રાજસ્થાન કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. રાજસ્થાનના રાજભવન બહાર સમગ્ર 4 વર્ષ દરમ્યાન બે-બે મુખ્યમંત્રીઓના નારા લાગે છે અને રાજસ્થાનના ધારાસભ્યોએ રાજીનામાના પત્રો મીડિયામાં વહેતા કરવા પડે છે. અશોક ગેહલોત સરકાર કોરોનામાં પણ ખૂબ નિષ્ફળ રહી અને 50-50 દિવસ સુધી કોઈપણ કોંગ્રેસના મંત્રી જાહેરમાં ન દેખાયા. કોંગ્રેસનો આંતરિક કલહ, આંતરિક વિરોધ, ઘરના ઝઘડાના કારણે રાજસ્થાનની જનતાને ખૂબ મોટું નુકસાન થયું છે તે નજીકના ભવિષ્યમાં ભરપાઈ થાય તેવું લાગતું નથી. જે રીતે એક ગીત બહુ પ્રચલિત થયું હતું કે દિલ કે ટુકડે હજાર તેવી રીતે કોંગ્રેસ ટુકડા ટુકડામાં તૂટી ગઈ છે અપરાધમાં નંબર વન, બળાત્કારમાં નંબર વન, ભ્રષ્ટાચારમાં નંબર વન રાજસ્થાન મોડલથી સૌએ ચેતવું જોઈએ.

આવનારી 2023ની રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ જવાની છે અને ભાજપાની પૂર્ણ બહુમત વાળી સરકાર રચાશે તેવો વિશ્વાસ પુનિયાએ વ્યક્ત કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનર  ડૉ.યજ્ઞેશભાઈ દવે,સહ કન્વીનર ઝુબીનભાઈ આસરા અને રાજસ્થાન ભાજપા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.