ગુજરાત,
કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સુક્કી ભટ્ઠ જમીન અને તળિયા ઝાટક ડેમની વાસ્તવિકતાનો ચિતાર ગુજરાત ઝીલી રહ્યું છે. રાજ્યના ડેમોમાં સતત ઘટી જતી જળ સપાટી અને સુકાતા જતા સ્ત્રોત એ માત્ર નાગરિકો જ નહિ પણ સરકારની ચિંતાનું પણ કારણ બન્યા છે. રાજ્યના 153 જેટલા ડેમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે ત્યારે, 65 જેટલા ડેમ સૂકા ભટ્ઠ પડયા છે.
બીજી તરફ રાજ્ય સરકાર જળ સંચય અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચી વરસાદી પાણીના સંચય માટે મથામણ કરી રહી છે. નાગરિકો સાથે સરકારની મીટ પણ આકાશ તરફ મંડાયેલી છે એ જ આજીજી સાથે કે, “ગરજ -બરાજ પ્યાસી ધરતી પર ફિર પાની દે મૌલા”.
ગુજરાતની તૃષાતુર ધરાના માત્ર માનવીઓ જ નહિ પણ પશુ -પક્ષીઓ પણ ત્રાહિમામ ગરમી અને એથી પણ વધુ ભોગવવી પડતી પાણીની મુશ્કેલી માટે યાચના કરી રહયા છે. .ગુજરાતની પાંજરાપોળમાં પશુઓ માટે ઘાસ ચારો અને પાણી મુશ્કેલીનું કારણ બન્યા છે. તો અમરેલી બોટાદ, દ્વારકા, જૂનાગઢ,ખેડા અને છોટા ઉદેપુર જેવા જીલાઓમાં પાણીની સ્થિતિ વધુ કફોડી બની છે. સ્થિતિ તો એ છે કે, વરસાદની વધુ રાહ જોવી એ અસહ્ય બની છે.આ વચ્ચે ડેમ તળિયા ઝાટક છે તો ક્યાંક માત્ર 25 ટકાથી પણ ઓછું પાણી છે.
રાજ્યમાં ડેમની સ્થિતિ
કચ્છના 20 જેટલા જળાશયોમાં માત્ર 15,71 ટકા પાણી .
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.74 ટકા પાણી.
દક્ષિણ ગુજરાતમાં 26.76 ટકા જ પાણી બચ્યું છે જળાશયોમાં.
સૌરાષ્ટ્રના 138 જેટલા જળાશયોમાં 17.10 ટકા જ પાણીનો જથ્થો.
રાજયના જળાશયોની સ્થિતિ જોતા સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ કફોડી છે. ક્યાંક ગૌશાળામાં પશુઓનો નિભાવ આકરો લાગી રહ્યો છે તો પાણીના અભાવે સૌરાષ્ટ્રના નાગરિકોએ દૂર-સુદૂર સુધી પાણી માટે ભટકવું પડે છે. આવી જ સ્થિતિ આદિવાસી વિસ્તારોની છે.
સૌરાષ્ટ્રની સ્થિતિ પર નજર કરીએ તો –
અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 5.55 ટકા.
ભાવનગરના જળાશયોમાં 12.54 ટકા પાણીનો જથ્થો .
આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં વિકટ જળ સંકટ .
છોટા ઉદેપુર વિસ્તારના જળાશયમાં પાણી માત્ર 4.79 ટકા.
જૂનાગઢમાં 2.78 ટકા,તો બોટાદમાં માત્ર 4.73 ટકા જ પાણી.
એક તરફ સોળ આની ચોમાસાની રાહ છે તો, બીજી તરફ રાજ્ય સરકાર એક મહિના માટે જળ સંચય માટે પ્રયત્નશીલ બની છે. કરોડોના ખર્ચે જળ સંચયનો આ પ્રયાસ પણ એક રીતે વરસાદ આધારિત જ છે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પાણી માટે રાજ્ય સરકાર રૂપિયા 75.46 કરોડ ખર્ચી રહી છે. જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથનો સમાવેશ થાય છે. આગામી એકાદ મહિનામાં ગુજરાતને પહેલા અને ધીંગા વરસાદની આશા છે પણ જો ગ્લોબલ વોર્મિંગ વચ્ચે વરસાદ ખેંચાશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ બદથી બદતર થશે.