Heatwave in Gujarat: ગુજરાતમાં હવે ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી આકરી ગરમીનો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી સૂકા પવનોને કારણે પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેને જોતા વહીવટીતંત્રએ નાગરિકોને કામ વગર બપોરે બહાર ન નીકળવા અપીલ કરી છે.
11 થી 14 મે સુધી Heatwave ની ચેતવણી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11મી થી 17મી મે સુધી રાજ્યનું હવામાન મોટાભાગે સૂકું રહેશે. આગામી ચાર દિવસ સુધી (એટલે કે 11 થી 14 મે દરમિયાન) મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં અને તે 41 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે. જોકે, રાહતની વાત એ છે કે ચાર દિવસના આકરા હીટવેવ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે.

ક્યાં ઓરેન્જ અને ક્યાં યલો એલર્ટ?
સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહેશે, જેમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે આગામી ૩ દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આકરી ગરમીને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ અપાયું છે. આ સાથે જ રાજકોટ, દ્વારકા, બોટાદ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
કંડલામાં પારો 45.2 ડીગ્રીએ પહોંચ્યો
રાજ્યના મહત્તમ શહેરો ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. આંકડાકીય માહિતી મુજબ, કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતા 4.2 ડિગ્રી વધુ છે. અન્ય શહેરોનું તાપમાન જોઈએ તો, સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી અને સુરતમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, આજે રાજ્યના 5 સ્થળો જેવા કે સુરત, પોરબંદર, કેશોદ, કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગર ખાતે સત્તાવાર રીતે હીટવેવ નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો 15 થી 25 નોટની સ્પીડે ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદમાં પણ આકાશ એકદમ સ્વચ્છ રહેશે અને પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ: અંબાલાલ પટેલ
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે? હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, જાણો તામારા શહેરનું તાપમાન
આ પણ વાંચો:ગરમીમાં શેકાયું ગુજરાત, અમદાવાદમાં 43.2, સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન
