Gujarat Weather News:ગુજરાતમાં મે મહિનાની કાળઝાળ ગરમીએ (Heatwave) લોકોના જીવનને અસહ્ય બનાવી દીધું છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે અને ભેજના કારણે ઉકળાટ વધુ વધારી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5-7 દિવસ સુધી આ સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં 42.2, ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન
આજના નોંધાયેલા મહત્તમ તાપમાન અનુસાર અમદાવાદ 42.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ રહ્યું, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી અને અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો (Heatwave) સામનો કરવો પડ્યો હતો. ભાવનગર અને કંડલામાં 41 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર અને કચ્છના વિસ્તારોમાં ડીસામાં 39.4 ડિગ્રી તથા ભુજમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો, જેના કારણે લોકોને બપોરના સમયે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 4થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર છે.IMDના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અનેક જગ્યાએ 40°Cથી ઉપર તાપમાન રહેવાની આગાહી છે. મે મહિનામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ હીટવેવ (Heatwave) દિવસોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી છે.
