Gujarat High Court AI Deepfake PIL: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજી દ્વારા બંધારણીય હોદ્દા પર બેઠેલા મહાનુભાવોને નિશાન બનાવવાના વધતા કિસ્સાઓ પર ગુજરાત હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.
ડીપફેક શું છે અને કેમ ચિંતાજનક છે?
ડીપફેક એ AI આધારિત એવી ટેક્નોલોજી છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિનો ચહેરો, અવાજ કે વીડિયોમાં એવી રીતે છેડછાડ કરવામાં આવે છે કે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો અશક્ય બની જાય છે. તાજેતરમાં બંધારણીય અધિકારીઓની છબી ખરડવા માટે આ ટેક્નોલોજીનો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે.

Gujarat High Courtની ખંડપીઠનો મહત્વનો આદેશ
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની ખંડપીઠે આ મામલે ગુજરાતના ડીજીપી (DGP) ને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. એડવોકેટ વિકાસ વિજય નાયર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં બંધારણીય અધિકારીઓને AI ના દુરુપયોગથી બચાવવા માટે કાયદાકીય સુધારા અને ચોક્કસ માર્ગદર્શિકા (Guidelines) બનાવવાની માંગ કરવામાં આવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોનો જવાબ મળ્યા બાદ મેટા (ફેસબુક/ઇન્સ્ટાગ્રામ), ગૂગલ, એક્સ (ટ્વિટર), રેડિટ અને સ્ક્રિબ્ડ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ આપવા પર વિચાર કરવામાં આવશે.
સરકારે સ્વીકારી મુદ્દાની ગંભીરતા
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પણ સ્વીકાર્યું હતું કે આ મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કોર્ટને જાણ કરી હતી કે ડીપફેક દ્વારા ઓનલાઇન કન્ટેન્ટનો વ્યાપક દુરુપયોગ થયો છે, જેના કારણે વ્યક્તિની પ્રતિષ્ઠાને અપૂરી નુકસાન થઈ રહ્યું છે.
આ કેસની વધુ સુનાવણી હવે 20 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. અરજદારે માંગ કરી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધારણીય અધિકારીઓના AI દ્વારા બનાવાયેલા ફેક ફોટા કે વીડિયોના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકે.
