Gandhinagar News/ વિધાનસભામાં પોલીસ ભરતી પર મોટો નિર્ણય! રાજ્યમાં ટૂંક સમયમાં 10 હજાર કોન્સ્ટેબલોની ભરતી કરાશે

વડોદરા Policeમાં 2073 જગ્યાઓ ખાલી હોવા અંગે શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો. મંત્રી કૌશિક વેકરીયાએ રાજ્યમાં 10,000 કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરી.

Top Stories Gandhinagar Gujarat
Gujarat Police Recruitment 2026

Gujarat Police Recruitment 2026: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વડોદરા શહેરની સુરક્ષા અને પોલીસ દળમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને વડોદરા પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે અણીયારા પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબમાં રાજ્ય સરકારે આગામી સમયમાં મોટી ભરતી કરવાની ખાતરી આપી છે.

શૈલેષ પરમારે સરકારને ઘેરી

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં દાવો કર્યો હતો કે, વડોદરા પોલીસમાં લાંબા સમયથી 2073 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે DIG કક્ષાના અધિકારીઓના પ્રમોશન થઈ ગયા હોવા છતાં હજુ સુધી પોસ્ટિંગ કેમ આપવામાં આવ્યા નથી? આ સાથે જ તેમણે પોલીસ ભરતી પ્રક્રિયાની ધીમી ગતિ અંગે પણ સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

બઢતી અને નવી ભરતીનું આયોજન

ધારાસભ્યના પ્રશ્નોનો ઉત્તર આપતા રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં બદલી, બઢતી અને નિવૃત્તિ જેવી વહીવટી પ્રક્રિયાઓને કારણે જગ્યાઓ ખાલી પડતી હોય છે, જે એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમણે વડોદરાની વિગતો આપતા ખાસ નોંધ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં વડોદરામાં 389 પોલીસ કોન્સ્ટેબલને બઢતી આપવામાં આવી છે. આ સાથે તેમણે ખાતરી આપી હતી કે વડોદરા પોલીસમાં ખાલી રહેલી 2073 જગ્યાઓ ભરવા માટે સરકાર અત્યંત ગંભીર છે અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં 10,000 Police કોન્સ્ટેબલોની થશે ભરતી

ગૃહમાં ચર્ચા દરમિયાન મંત્રી કૌશિક વેકરીયાએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પોલીસ દળને મજબૂત કરવા માટે ટૂંક સમયમાં 10,000 નવા કોન્સ્ટેબલોની ભરતી કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેનાથી વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પોલીસની ઘટ દૂર થશે.


આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ, ઊંચાઈને લઈને ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે

આ પણ વાંચો: પોલીસ ભરતીમાં 13,591 જગ્યાઓ સામે 10 લાખ અરજદારો!

આ પણ વાંચો: આજથી પોલીસ ભરતી માટે 15 સ્થળ પર શારીરિક કસોટીનું આયોજન