Gandhinagar News: ગુજરાતમાં સામાન્ય રીતે ગમે તેટલો વરસાદ પડે પણ ઉત્તર ગુજરાત કોરુધાકોર રહી જતુ હોય. આમ જાણે અગાઉના વખતની બધી ફરિયાદો દૂર કરવાની હોય તેમ આ વખતના ચોમાસામાં જાણે ઉત્તર ગુજરાતમાં વરસાદ બરોબરનો મહેરબાન થયો છે. તેમા પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાએ વિનાશકારી સ્વરૂપ ધારણ કરતાં બનાસકાંઠાના વડગામમાં પાંચ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે.
બનાસકાંઠાના વડગામમાં 5 કલાકમાં 9 ઇંચ વરસાદ
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાએ વિનાશકારી સ્વરૂપ ધારણ કર્યું છે. વડગામમાં છેલ્લા 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા છે. વડગામમાં ગઇકાલ રાતથી થયેલા ધોધમાર વરસાદના લીધે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના માર્કેટયાર્ડ અને નીચાણવાળા વિસ્તારો જાણે તળાવ બની ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મકાઈ, બાજરી અને શાકભાજીના પાક ડૂબી ગયા છે. સ્થાનિક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં માલનું નુકસાન થયું છે. વડગામના રહેવાસીઓએ ડ્રેનેજ સિસ્ટમની નબળી વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. નાળાની સફાઈ ન થવાથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી.
પાલનપુરમાં છ ઇંચ વરસાદથી બધા ત્રાહિમામ
પાલનપુરમાં વરસાદી આફતે બધાને ત્રાહિમામ પોકરાવી દીધા છે. છ ઇંચ વરસાદના લીધે સ્થાનિકો અને વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેનરા નીચાણવાળા વિસ્તારો પાણીમાં રીતસરના ગરક થઈ ગયા હતા અને તેના લીધે શહેરના રસ્તા તો જાણે દેખાતા જ ન હતા. માર્ગો જાણે જળમાર્ગ બની ગયા હતા. ધારાસભ્ય અનિકેત ઠાકરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ અને નગરપાલિકાને પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થાની સૂચના આપી હતી. સ્થાનિકોનો દાવો છે કે તંત્રએ ચોમાસા પહેલા નાળાઓની સફાઈ અને ડ્રેનેજ સિસ્ટમ્સની રિપેર કર્યા હોત તો સ્થિતિ ટાળી શકાઈ હોત.
દાંતીવાડામાં 90 મીમી વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
દાંતીવાડામાં ચોમાસાના પ્રારંભમાં જ રાણીટૂંક ઝરણા વહેતા થયા છે, જે આ વર્ષે પહેલી વખત થયું છે. ભાખર વિસ્તારમાં ધાર્મિક સ્થળો પર ધોધમાર વરસાદના કારણે મહાદેવ અને મહાકાળીના મંદિરોમાં પાણી ભરાયું છે, તેના લીધે ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલી પડી છે. જો કે ખેડૂતો લગભગ 90 મીમી વરસાદથી ખુશખુશાલ છે. ઝરણા અને નદીઓનું પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રએ નદીકાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના આપી છે.
ઇકબાલગઢમાં ખેતરોને નુકસાન
ઇકબાલ ગઢમાં ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયું છે. તેના લીધે વાવેતરમાં નુકસાનની ભીતિ છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ગરનાળામાં 15 ફૂટ જેટલું પાણી ભરાતા તેને બંધ કરવું પડ્યુ છે. ખેડૂતોને તેમના પાકના નુકસાનનો ડર છે.
ડીસામાં વરસાદની તોફાની બેટિંગ
ડીસામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી છે, જેના લીધે માળીવાસ અને રિજમેન્ટ વિસ્તારોમાં પાણી ભરાયું છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા રહેવાસીઓની ઘરવખરી અને મૂલ્યવાન વસ્તુઓનું નુકસાન થયું છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓની સ્થિતિ વણસી છે. નબળી ડ્રેનેજ સિસ્ટમના લીધે વ્યવસ્થા વધી રહી છે.
શાળાઓ બંધ, વહીવટ એલર્ટ
બનાસકાંઠા જિલ્લા કલેકટરે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને 3 જુલાઈ, 2025ના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો તૈનાત કરી છે, અને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. નાગરિકોને નદીઓ અને ઝરણાંની નજીક ન જવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.
ખેડબ્રહ્મામાં 24 કલાકમાં પાંચ ઇંચ-વડાલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ
ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચ અને વડાલીમાં ફક્ત બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડવાના લીધે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઇંડર, પ્રાંતિજ, કડિયાદરા, ચોટાસણ અને ચોરવાડમાં ભારે વરસાદે નદી-નાળા છલકાવ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત થયું હતુ. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે વડાલીના અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે હરણાવ નદીમાં ઘોડાપૂર લાવ્યું, જે ભયજનક સપાટીથી વહી રહી છે. આના કારણે નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા, જેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મકાઈ, બાજરી, અને શાકભાજીના પાક પાણીમાં ડૂબી ગયા, જેનાથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.
વડાલીમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ વરસાદે ખેતરોને જળબંબાકાર કરી દીધા. વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો, અને ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને પણ આ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઈડર અને પ્રાંતિજમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે કડિયાદરા, ચોટાસણ, અને ચોરવાડમાં નદી-નાળાઓ ઉભરાઈ ગયા, જેના કારણે ગામડાઓમાં પૂરનું જોખમ વધ્યું છે.
સાબરકાંઠા-ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું, જેના પગલે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણીનું સ્તર ઊંચું આવી જતાં વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી. ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા, અને સવારના સમયે મુસાફરો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું નવીનીકરણ કામ ચાલી રહ્યું હોવા છતાં, અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
હરણાવ નદીમાં ઘોડાપૂર, ગામોને એલર્ટ
ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદે હરણાવ નદીમાં ઘોડાપૂર લાવ્યું છે. નદી ભયજનક સપાટીથી વહી રહી હોવાથી નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રે નાગરિકોને નદીની નજીક ન જવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે. આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં છે, અને રાહત તથા બચાવ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ખેડૂતો અને સ્થાનિકોની હાલાકી
ભારે વરસાદે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં ભરાયેલા પાણીએ પાકને નુકસાન કર્યું, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. વડાલીના રહેવાસીઓએ ડ્રેનેજ સિસ્ટમની નબળી વ્યવસ્થા પર રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે નાળાઓની સફાઈ ન થવાને લીધે પાણીનો નિકાલ થઈ શક્યો નથી.
મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં 6.5 ઇંચ વરસાદ
મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિજાપુરમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતા વિજાપુરમાં આવ્યા પૂર જેવી સ્થિતિ છે. કડીમાં પોણા બે ઇંચ અને ખેરાલુમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સતલાસણામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. વડનગર અને જોટાણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. હીરપુરા ગામે ભારે વરસાદના લીધે રસ્તા પર ઝાડ પડતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. મોડી રાત્રે વરસાદ પડવાથી નાળામાં પાણી ભરાયા છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે.
થરાદમાં ઘરો અને રસ્તાઓ જળબંબાકાર
થરાદમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. બસ સ્ટેન્ડ, એસટી વર્કશોપ, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું, જેના કારણે ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું. રહેવાસીઓની ઘરવખરી અને મૂલ્યવાન વસ્તુઓને નુકસાન થયું, અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસામાં આવી સ્થિતિનો સામનો કરવો પડે છે, પરંતુ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કોઈ અસર દેખાતી નથી.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પૂરનું જોખમ વધી શકે છે. નાગરિકોને નદીઓ, ઝરણાં, અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. વહીવટે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Banaskantha News/બનાસકાંઠામાં ત્રણ કિ.મી.નો માર્ગ ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષથી ન બનતા ગ્રામજનો ઉગ્ર
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં દામા ગામનાં તળાવમાંથી નવજાત શિશુ મળી આવતાં ચકચાર
આ પણ વાંચોઃ બનાસકાંઠા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી

