Gujarat Local Body Byelection Results: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની વિવિધ ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના પરિણામોમાં ભાજપે પોતાની પકડ મજબૂત રાખી છે, જ્યારે વડોદરામાં કોંગ્રેસને આંતરિક વિખવાદ નડ્યો છે. બનાસકાંઠા અને નર્મદામાં ભાજપનો વિજય રથ અવિરત રહ્યો છે.
Byelection Results : દાંતીવાડામાં ભાજપનો દબદબો
બનાસકાંઠાની ભાખર મોટી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ વાઘેલાએ ૨૦૯૦ મતોની જંગી સરસાઈથી વિરોધ પક્ષને પછાડ્યા છે. આ બેઠક પર સૌથી મોટો ઉલટફેર એ જોવા મળ્યો કે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડીયાની કારમી હાર થઈ છે, જે દર્શાવે છે કે મતદારોએ પરિવર્તન સ્વીકારીને ભાજપના નવા ચહેરા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજપીપળામાં વિપક્ષોનું ખાતું પણ ન ખુલ્યું
નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. પાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા ૧૨ પરિણામોમાં તમામ ૧૨ બેઠકો ભાજપે અંકે કરી લીધી છે. અહીં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને વિરોધ પક્ષના કોઈ પણ ઉમેદવાર હજુ સુધી ખાતું પણ ખોલાવી શક્યા નથી, જે વિપક્ષી રણનીતિ પર મોટા સવાલો ઉભા કરે છે.
કોંગ્રેસના ઘરના ઝઘડામાં અપક્ષ બાજી મારી ગયા
વડોદરાના વોર્ડ નંબર ૦૧ ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે, જ્યાં કોંગ્રેસની આખી પેનલ જીતશે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ પક્ષનો આંતરિક વિખવાદ તેને ભારે નડ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે જેમને ટિકિટ આપવાનો ઈનકાર કર્યો હતો તેવા હરીશ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને અંતે ભવ્ય વિજય મેળવીને સાબિત કર્યું છે કે ટિકિટની ખોટી ફાળવણી પક્ષ માટે કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે. હરીશ પટેલની આ જીતે કોંગ્રેસની મજબૂત ગણાતી પેનલને પણ તોડી નાખી છે.
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી
