Gujarat Monsoon 2026 Prediction: કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે હવે સૌ કોઈની નજર આકાશ તરફ મંડાયેલી છે કે મેઘરાજા ક્યારે પધારશે? વર્ષ 2026 ના ચોમાસાને લઈને બે મોટા અંદાજો સામે આવ્યા છે. એક તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સારા ચોમાસાની આશા જગાવી છે, તો બીજી તરફ હવામાન વિભાગે (IMD) ‘એલ નીનો’ ની અસરને પગલે સાવચેત રહેવા સંકેત આપ્યા છે.
Monsoon સારું રહેવાની શક્યતા : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા છે, જેમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. જૂન અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં શ્રેષ્ઠ વરસાદ રહેવાની આશા છે, પરંતુ મે મહિનો પડકારજનક સાબિત થઈ શકે છે કારણ કે મે મહિનાના મધ્યમાં કાળી આંધી અને વાવાઝોડાની શક્યતા છે. વધુમાં, 15 મે બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને 23 મેની આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે.

એલ નીનોનો ખતરો : હવામાન વિભાગ
હવામાન વિભાગના મતે આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં ‘એલ નીનો’ મજબૂત થવાને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું થોડું નબળું પડી શકે છે. જોકે, મે મહિનાના અંત સુધીમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સંપૂર્ણ સક્રિય થશે અને હીટ ડોમ વેધર પેટર્નને કારણે ગરમી વધશે, પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદી ઝાપટાં ગરમીથી રાહત આપશે. ચોમાસાના રૂટની વાત કરીએ તો અંદાજે 18-20 મે ના રોજ અંદામાનમાં અને 1 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસી જશે, જે ત્યારબાદ 15 થી 20 જૂન વચ્ચે મધ્ય ભારતમાં પહોંચશે.
ખેડૂતો માટે શું છે સંકેત?
જોકે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન માસમાં સમયસર વરસાદ થવાથી વાવણીની પ્રક્રિયામાં વેગ આવી શકે છે. મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની પણ શક્યતા છે, જેનાથી ખેતીના પાકને સાચવવાની સલાહ અપાઈ છે.
