Not Set/ અમદાવાદના કોટ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ મકાન જોખમી હાલતમાં

અમદાવાદ: અમદાવાદ શહેરને એક તરફ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળ્યો છે, અને બીજી બાજુ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની હોડ ચાલી રહી છે. ત્યારે શહેરના ‘કોટ વિસ્તાર’માં આવેલા એક બે કે સેંકડો નહીં પરંતુ હજારો મકાનો જર્જરિત હાલતમાં છે જે ગમે તે સમયે ધરાશાયી થઈ શકે તેમ છે પરંતુ સંબંધિત સત્તાધીશો દ્વારા તેની પ્રત્યે દુર્લક્ષ્ય […]

Top Stories Ahmedabad Gujarat Trending
More than three thousand buildings are dangerous condition in the Kot Area of Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરને એક તરફ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળ્યો છે, અને બીજી બાજુ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની હોડ ચાલી રહી છે. ત્યારે શહેરના ‘કોટ વિસ્તાર’માં આવેલા એક બે કે સેંકડો નહીં પરંતુ હજારો મકાનો જર્જરિત હાલતમાં છે જે ગમે તે સમયે ધરાશાયી થઈ શકે તેમ છે પરંતુ સંબંધિત સત્તાધીશો દ્વારા તેની પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. જેના કારણે AMC સહિતના સત્તાધીશોની આવી નીતિ સામે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

મેગાસિટી અમદાવાદ કૂદકે ને ભૂસકે વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે. એક તરફ ગગનચુંબી હાઈરાઇઝ બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનાં વિશાળકાય બાંધકામો થઇ રહ્યાં છે. પશ્ચિમી શૈલીનાં અત્યાધુનિક સગવડો ધરાવતાં આવાં બાંધકામોથી શહેર વધુ ને વધુ ‘સ્માર્ટ’બની રહ્યું છે. ત્યારે બીજી બાજુ શહેરના પરંપરાગત શૈલીનાં વર્ષો જૂનાં સેંકડો મકાનો તંત્રની ઉપેક્ષાથી દિવસે દિવસે જર્જરિત થઈ રહ્યાં છે.

શહેરના ફક્ત ‘કોટ વિસ્તાર’ની જ વાત કરીએ તો ‘જૂના શહેર’માં ત્રણ હજારથી વધુ મકાનો એવા છે કે, તે ગમે ત્યારે પડું પડું થાય તેવી ભયજનક સ્થિતિ છે. જેનાથી તેમાં રહેનારા હજારો લોકોના જીવ જોખમમાં મૂકાયેલા રહ્યા છે. આવા ભયજનક મકાનોની ચોમાસાની સિઝનમાં તૂટવાની શક્યતા વધી જાય છે. દર વર્ષે અમદાવાદના ‘કોટ વિસ્તાર’માં આવેલા એકથી બે મકાનો ધરાશાયી થાય છે. બે દિવસ અગાઉ જમાલપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું.

યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. જેના સંદર્ભમાં અમદાવાદના શાસકોએ તાજેતરમાં યોજાયેલી ઐતિહાસિક રથયાત્રાને હેરિટેજ સિટી રથયાત્રાના રંગરૂપ આપ્યા હતા. ‘કોટ વિસ્તાર’માં આવેલા પુરાતન શૈલીનાં સેંકડો મકાનોનું હેરિટેજ સિટીની યુનેસ્કોની જાહેરાતમાં રહેલું મહત્વપૂર્ણ યોગદાન ભૂલી શકાય તેમ નથી. યુનેસ્કોએ કોટ વિસ્તારના અડધી સદી સદીથી પણ જૂનાં પુરાણાં આવાં મકાનોની ‘હેરિટેજ વેલ્યુ’ને ઓળખી હતી.

‘કોટ વિસ્તાર’માં આશરે એક લાખથી વધુ મકાન

Old Building Ahmedabad1 અમદાવાદના કોટ વિસ્તારમાં ત્રણ હજારથી વધુ મકાન જોખમી હાલતમાં

પરંતુ આ હેરિટેજ સિટીના સિક્કાની બીજી બાજુ પણ છે. જેમાં કમનસીબે શહેરના શાસકોને કોટ વિસ્તારનો શહેરની ઐતિહાસિક ધરોહરની કોઈ પણ જાતની પરવા નથી. ‘કોટ વિસ્તાર’માં નાનાં-મોટાં મળીને આશરે એક લાખથી વધુ મકાન છે. જે પૈકીના ત્રણ હજારથી વધુ મકાનો અડધી સદીથી એક સદીથી પણ જૂના છે. આ પુરાતન મકાનો સમયકાળના પ્રવાહ સામે ઝઝૂમીને પોતાનું અસ્તિ‌ત્વ ટકાવી રાખી રહ્યાં છે.

સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે રથયાત્રાના રૂટ પરનાં ભયજનક મકાનનો સર્વે કરવામાં આવે છે. આ સર્વે હેઠળના ભયજનક અને જોખમી મકાનોની દીવાલો કે ઝરૂખા જેવા ભાગો કે જે ગમે ત્યારે ધરાશાયી થનારા હોય તેને તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે છે. આ વખતે સત્તાધીશોએ પંદર જેટલા જોખમી કે ભયજનક મકાનના આંશિક હિસ્સાને સ્વખર્ચે ઉતારી લઇને રથયાત્રા રૂટને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

જો કે મહત્વની બાબત એ છે કે, જ્યારે સમગ્ર કોટ વિસ્તારના ભયજનક મકાનનો સર્વે ક્યારેય થયો નથી કે કરાવવાની ભૂતકાળના કોઇ શાસકો દ્વારા તસદી લેવામાં આવી નથી. આજે પણ આવા મકાનમાં જીવના જોખમે હજારો નાગરિકો વસવાટ કરી રહ્યા છે. સમગ્ર શહેરમાં ગામ તળ વિસ્તાર ઉપરાંત નરોડા-નારોલ સહિતના વિસ્તારોમાં પણ સેંકડો દાયકાઓ જૂનાં મકાન અસ્તિત્વમાં છે.

જ્યારે વાસ્તવિકતા એવી છે કે, વરસાદની સિઝનમાં દર વર્ષે આવા એકાદ બે મકાનો ધરાશાયી થતાં હોય છે. પરંતુ તંત્ર વાહકો દ્વારા ક્યારેય ચોમાસાની સિઝન પૂર્વે આવા મકાનોની દરકાર કરવામાં આવતી નથી.

મુંબઈ જેવા શહેરોમાં સ્ટેબિલિટી સ્ટ્રકચર સર્ટિફિકેટનો આગ્રહ

મુંબઇ જેવા દેશના બીજાં અન્ય શહેરોમાં સ્થાનિક સત્તાવાળાઓ વર્ષો જૂનાં મકાન માટે સ્ટેબિલિટી સ્ટ્રકચર સંબંધિત સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવે છે. નાગરિકોનાં જીવન માટે જોખમી બનેલ મકાનને ઉતારીને તેનાં પુનઃ નિર્માણ માટેની વિશેષ યોજના કાર્યરત છે. જયારે બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ‘કોટ વિસ્તાર’માં ટી ગર્ડરનો ઉપયોગ કરવા અંગે આજે પણ અનિર્ણાયક સ્થિતિમાં છે.

એએમસીના કવાર્ટર્સ જ ભયજનક હાલતમાં

દોઢ દાયકા અગાઉના શાસકોએ હેરિટેજ વોલ સિટી રિવાઇટેબલ પ્લાન તૈયાર કરાવ્યો હતો. જેને બાદમાં અભરાઇએ ચડાવી દેવાયો હતો. સામાન્ય નાગરિકોના મકાનની તો શું વાત કરવી? પણ ખુદ અનેક મ્યુ‌નિસિપલ કોર્પોરેશનના સ્લમ કવાર્ટર્સ અને ફાયરબ્રિગેડ કવાર્ટર્સ પણ રહેવા લાયક નથી.

વર્ષ ર૦૦૧ના વિનાશક ભૂકંપમાં સ્લમ કવાર્ટર્સ અને ફાયરબ્રિગેડ કવાટર્સના પાયા મૂળમાંથી હચમચી ગયા હતા. તાજેતરમાં દાણાપીઠ ખાતેના ફાયરબ્રિગેડના મુખ્યાલયના કવાર્ટર્સની છત તૂટી પડી હતી. હવે આશરે ૪૦ વર્ષ જૂના કવાર્ટર્સને એક મહિનામાં ખાલી કરાવીને ત્યાં નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

શું નઘરોળ સત્તાવાળાઓ શહેરમાં અન્ય સ્થળોએ પ્રાણઘાતક દુર્ઘટના સર્જાવાની પ્રતીક્ષા કરી રહ્યા છે તેમ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.