ગમ્મત સાથે જ્ઞાન/ ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદનાં સાયન્સસિટીથી રાજ્ય વ્યાપી શુભારંભ

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે.

Top Stories Ahmedabad Gujarat
ગુજરાત

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ મુખ્યમંત્રી ભુએપનદ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. વેબસાઇટ, ઇ-પુસ્તિકા અને ઓનલાઇન કોમ્પિટિશનના માધ્યમથી આ રાજ્ય વ્યાપી સ્પર્ધાને ડિજીટલ ઓપ આપવામાં આવ્યો છે.

‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ અવસરે  મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ સ્પર્ધાનો ઉદ્દેશ છે. દરેક પ્રશ્નોના જવાબ ગુગલમાંથી જાણી લેતી આજની પેઢીને સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે એમ તેમણે ઉમેર્યુ હતું.  શિક્ષણ સહિતના ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ રાજ્યની બાળ અને યુવા પેઢીને ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં સહભાગી બનાવશે. વિકાસના આધારસમી આપણી ભાવી પેઢીને ખિલવાના અને વિશ્વ સાથે બરોબરી કરવાના અવસરો વડાપ્રધાનએ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સરકારની વિવિધ યોજનાઓનું સેચ્યુરેશન -100 ટકા લાભાર્થી ક્વરેજ સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ક્વિઝથી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારની દરેક યોજનાઓ સામાન્યમાં સામાન્ય માનવીને કેનદ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, એમાં આ ક્વિઝ એક અગત્યનો ભાગ ભજવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશની સૌથી મોટી અને રાજ્યની પહેલી ક્વિઝનો આજથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે. 25 લાખથી વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લેવાના છે. રાજ્યના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવો આશય આ ક્વિઝ યોજવા પાછળનો છે. શિક્ષણ સમાજ વ્યવસ્થાઓનું મોટું રોકાણ છે એમ મનાય છે ત્યારે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે વિકાસના અનેક આયામો હાથ ધરાયા છે. રાજ્યના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. વિજ્ઞાનની જાણકારી વધારતા સાયન્સ સિટીની છેલ્લા 8 મહિનામાં 8 લાખ લાકોએ મુલાકાત લીધી છે એમ તેમણે ઉમેર્યું હતું. વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ પણ આ ક્વિઝમાં સહભાગી થાય તેવો અનુરોધ શિક્ષણમંત્રીએ કર્યો હતો.  ઉદ્યોગ અને સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે, દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા સમય પહેલા ઓફલાઇન ક્વિઝ રાજ્યમાં શરૂઆત કરાવી હતી. રાજ્યના વિદ્યાર્થીઓ રાજ્યની વિકાસ યાત્રાની જાણકારી મેળવી શકે તેવા આશયથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો આજથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ નવતર પ્રયોગ નવા પરિમાણો પ્રસ્થાપિત કરશે એમ તેમણે ઉમેર્યું હતું.  રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, 20 વર્ષનો વિશ્વાસ- 20 વર્ષનો વિકાસ લોકો સુધી પહોંચ્યો છે. સરકારની યોજનાઓની માહિતી આપતી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન કર્યું છે.વર્તમાન સમયમાં લેખન-વાંચનમાં ડિજીટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરતા થયા છે, ત્યારે આ પ્રકારની ક્વિઝ સમયની માંગ છે અને આ પ્રકારની ક્વિઝથી વિદ્યાર્થીઓ રાજ્યના વિકાસથી અવગત થાય તેવા આશ્રય સાથે આ ક્વિઝ યોજાઇ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે. આ ક્વિઝમાં વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરવામાં આવશે.  ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’માં અંદાજે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે તે મુજબનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે. આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ થયેલી સિદ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવ્યા છે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે.

આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલું થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તદઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટૂર કરાવવામાં આવશે. તદઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના આ પ્રારંભ અવસરે રાજ્યસભાના સાંસદ નરહરિ અમિન, માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યકક્ષાના મંત્રી  કિર્તીસિંહ વાઘેલા, મંત્રી અરવિંદ રૈયાણી, મંત્રી  બ્રિજેશ મેરજા, મંત્રી  અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી નીમિષાબેન સુથાર, અમદાવાદના મેયર  કિરિટ પરમાર, ગાંધીનગરના મેયર  હિતેશ મકવાણા, મુખ્ય સચિવ  પંકજ કુમાર, ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અગ્ર સચિવ  એસ.જે હૈદર, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર  એમ. નાગરાજન તેમજ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને ટિચર્ચ  ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?