Gujarat Farmers MSP Procurement: ગુજરાતના કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મક્કમ નિર્ણયોના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને “ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ” આપવાની નીતિને કારણે છેલ્લા એક દાયકામાં ગુજરાતના લાખો ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બન્યા છે. એક સમયે વચેટિયાઓની દખલગીરી, નીચા ભાવો અને ચૂકવણીમાં થતા વિલંબથી પરેશાન ખેડૂતોને હવે ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી વ્યવસ્થા મજબૂત બનતા આર્થિક સુરક્ષાનું કવચ મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની આખી પ્રક્રિયાને વધુ વ્યાપક અને પારદર્શક બનાવી છે, જેના આંકડાઓ ખુબ જ આશાસ્પદ છે.

મુખ્ય આંકડાઓ પર એક નજર (છેલ્લા 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ)
કુલ ખરીદીનું મૂલ્ય: ₹65,570 કરોડ
કુલ ખરીદાયેલી ઉપજ:05 કરોડ મેટ્રિક ટન
લાભાર્થી ખેડૂતોની સંખ્યા:98 લાખથી વધુ
વાર્ષિક લાભાર્થીઓનો ગ્રાફ: 2 લાખથી વધીને સીધો 14 લાખ થયો
ખરીદીના મૂલ્યમાં વધારો: 13 ગણો
MSP માં રેકોર્ડબ્રેક વધારો: પાક અનુસાર 54% થી 127% સુધીનો જંગી વધારો
મગફળી અને કપાસના ખેડૂતોને મળ્યું સૌથી મોટું રક્ષણ
ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા મગફળી અને કપાસના પાક પકવતા ખેડૂતોને ગત દાયકામાં સૌથી મોટો ફાયદો થયો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં 52.48 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને ₹31,941 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ ઘટ્યા હતા, ત્યારે સરકારે હસ્તક્ષેપ કરીને 25.23 લાખ મેટ્રિક ટન કપાસ ખરીદ્યો અને કપાસના ખેડૂતોને ₹17,759 કરોડનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
ચણા, તુવેર અને રવિ પાકોમાં પણ બમ્પર વળતર
માત્ર રોકડિયા પાકો જ નહીં, પરંતુ રવિ પાકના મુખ્ય આધાર ગણાતા ચણાની 16.81 લાખ મેટ્રિક ટન ખરીદી સામે ખેડૂતોને ₹9,549 કરોડનું ચૂકવણું કરાયું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં થતા તુવેરના પાકની 4.97 લાખ મેટ્રિક ટન ખરીદી કરી ₹3,222 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાયડો, સોયાબીન, અડદ અને મગ જેવા પાકોના ટેકાના ભાવ નક્કી થવાથી નાના અને સીમાંત ખેડૂતોને સીધો આર્થિક ફાયદો પહોંચ્યો છે.
ખેડૂતો (Farmers)ની સંખ્યામાં 7 ગણો મોટો ઉછાળો
સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2016-17માં માત્ર 2.01 લાખ ખેડૂતો પાસેથી ₹1,775 કરોડની ખરીદી થઈ હતી. આ આંકડો વર્ષ 2025-26 સુધીમાં પહોંચતા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષ દરમિયાન 14 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹23,800 કરોડના મૂલ્યની 32.54 લાખ મેટ્રિક ટન ઉપજ ખરીદવામાં આવી છે. આ દર્શાવે છે કે યોજનાની સફળતાને કારણે સરકારી કેન્દ્રો પર પાક વેચનારા ખેડૂતોની સંખ્યામાં 7 ગણો અને ખરીદીના મૂલ્યમાં 13 ગણો મોટો વધારો થયો છે.
DBT થી સીધા ખાતામાં રૂપિયા
ખેડૂતો પોતાના પાકનું યોગ્ય આયોજન કરી શકે તે માટે હવે કેન્દ્ર સરકાર દ્વારા વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ MSP ની જાહેરાત કરી દેવાય છે. કૃષિ ખર્ચ અને ભાવ પંચ (CACP) દ્વારા બિયારણ, ખાતર, વીજળી અને મજૂરી સહિતના તમામ પાસાઓનો અભ્યાસ કરી ઉત્પાદન ખર્ચ પર આશરે 50 ટકા નફો મળે તે રીતે ભાવો નક્કી થાય છે.
સૌથી મોટો સુધારો ખરીદી પ્રક્રિયામાં ટેકનોલોજીના ઉપયોગથી આવ્યો છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન અને SMS સિસ્ટમને કારણે ખેડૂતોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળી છે. તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ની મદદથી ખરીદીના રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થતા હોવાથી વચેટિયાઓ અને કમિશન એજન્ટોની પ્રથા સંપૂર્ણ નાબૂદ થઈ છે.
