Gujarat Jantri 2026: ગુજરાતમાં જમીન અને મિલકતોના ભાવ (Property Rates) નિર્ધારણ માટે અત્યંત મહત્વપૂર્ણ એવી નવી જંત્રી ટૂંક સમયમાં અમલમાં આવવાની તૈયારીમાં છે. રાજ્યના મહેસુલ વિભાગ (Revenue Department) દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરાયેલી નવી જંત્રી (New Jantri) જાન્યુઆરી-2026ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવે તેવી ઉગ્ર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી જંત્રી (New Jantri)લાગુ થતાં રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જમીન અને મકાનોના સરકારી ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે રિયલ એસ્ટેટ બજાર (Real Estate), પ્રોપર્ટી ખરીદ-વેચાણ અને દસ્તાવેજ નોંધણી પર સીધી અસર પડશે.
જાન્યુઆરી સુધીમાં નવા દરો
રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં જ નવી જંત્રી (New Jantri)અમલી બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી સરકારી મૂલ્યાંકન દરોમાં ફેરફાર થશે અને મિલકતના સોદાઓમાં પારદર્શિતા લાવવાનો સરકારનો હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નવી જંત્રી કેમ જરૂરી બની ?
ઉલ્લેખનીય છે કે અગાઉ 13 એપ્રિલ 2023થી નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ તેમાં અનેક વિસંગતતાઓ અને અસમાન દરોને કારણે જનતા અને રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાંથી ભારે વિરોધ થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈ નવેમ્બર 2024માં ફરીથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
લોકોના પ્રતિસાદ અને સૂચનો બાદ હવે મહેસુલ વિભાગે (Revenue Department) વૈજ્ઞાનિક ધોરણે અને વાસ્તવિક બજાર ભાવને ધ્યાનમાં રાખી નવા દર નક્કી કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેથી અન્યાય થવાની શક્યતા ઓછી રહે.
બિલ્ડર-ખરીદદારોની નજર સરકાર પર
સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં નવા દરો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ ‘વૈજ્ઞાનિક જંત્રી’ જનતા, બિલ્ડર લોબી અને પ્રોપર્ટી ડિલર્સ માટે કેટલી સ્વીકાર્ય સાબિત થાય છે. અગાઉ થયેલા વિરોધને જોતા આ વખતે મહેસુલ વિભાગે વાંધા-સૂચનોને કેટલું મહત્વ આપ્યું છે તેના પર સૌની નજર ટકેલી છે.
નવી જંત્રી જાહેર થયા બાદ રાજ્યના રિયલ એસ્ટેટ માર્કેટમાં કેવી અસર પડશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
