Surat News/ સુરતમાં ખાડીપૂર સામેની કામગીરીમાં ધીમી ગતિ! 188 કિમીમાંથી માત્ર 35 કિમી સર્વે, કમિશનરનો અધિકારીઓને ઠપકો

Flood Drain Survey: સુરતમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી કામગીરીમાં માત્ર 188 કિમીમાંથી 35 કિમીનો સર્વે પૂર્ણ થયો છે. કમિશનરે અધિકારીઓને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા અને ડિજિટલ માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી.

Gujarat Top Stories Surat
Flood Drain Survey: ખાડીપૂરનો ઉકેલ હજુ દૂર?

Surat News: સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીપૂર અને જળબંબાકારની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી કામગીરીની (Flood Drain Survey) ધીમી ગતિ સામે હવે ખુદ મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. 188 કિલોમીટર લાંબી ખાડીઓના સર્વેમાંથી અત્યાર સુધી માત્ર 35 કિલોમીટરનું કામ પૂર્ણ થતાં અધિકારીઓને ઝડપથી કામગીરી પૂરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ વરસાદી પાણી ઝડપથી તાપી નદી (Tapi River) સુધી પહોંચે તે માટે નવા ડ્રેનેજ રૂટ, રિટેન્શન પ્લાન અને ડિજિટલ માસ્ટર પ્લાન (Drainage Project) તૈયાર કરવા પણ ભાર મૂકવામાં આવ્યો છે.

Flood Drain Survey: માત્ર 35 કિમી સર્વે પૂર્ણ, બાકી કામગીરી ઝડપથી પૂરી કરવા આદેશ

સુરત મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરની તમામ ખાડીઓના LiDAR, DGPS અને ડ્રોન સર્વેની સમીક્ષા કરવામાં આવી હતી. કુલ 188 કિલોમીટર લાંબી ખાડીઓમાંથી અત્યાર સુધી માત્ર 35 કિલોમીટર વિસ્તારનો સર્વે પૂર્ણ થયો છે, જ્યારે લગભગ 23 કિલોમીટર વિસ્તારનો ડેટા પ્રોસેસ (Flood Management Surat)  કરવામાં આવ્યો છે. કમિશનરે બાકી રહેલા સર્વે અને ડેટા પ્રોસેસિંગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.

ડિજિટલ માસ્ટર પ્લાન માટે મહત્વનો ડેટા તૈયાર

શહેરમાં ખાડીપૂરનો કાયમી ઉકેલ લાવવા માટે ડિજિટલ માસ્ટર પ્લાન અને હાઇડ્રોલોજી મોડલ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના માટે વરસાદના ઐતિહાસિક આંકડા, GPCB હેઠળના ઔદ્યોગિક ડિસ્ચાર્જ, હાઇ ફ્લડ લેવલ, દરિયાઈ ભરતી-ઓટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ટોપોગ્રાફી, ડ્રોન સર્વે સહિતનો મોટાભાગનો ડેટા કન્સલ્ટન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

બાકી રહેલો ડેટા બે દિવસમાં આપવા સૂચના

કમિશનરે વિવિધ વિભાગો વચ્ચે વધુ સંકલન લાવવાનો નિર્દેશ આપતાં નેશનલ હાઇવેના ડ્રેનેજ, વિવિધ બ્રિજોની ટેકનિકલ વિગતો, DFCC, સુરત-મુંબઈ એક્સપ્રેસવે અને સરકારી જમીન સંબંધિત બાકી રહેલો ડેટા આગામી બે દિવસમાં કન્સલ્ટન્ટને સોંપવા આદેશ કર્યો હતો.

મીઠીખાડીનું ડેન્જર લેવલ ફરી નક્કી થશે

બેઠક દરમિયાન મીઠીખાડીની સ્થિતિ અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. કમિશનરે વૈજ્ઞાનિક અભ્યાસના આધારે મીઠીખાડીનું રિવાઇઝ્ડ ડેન્જર લેવલ જાહેર કરવા સૂચના આપી હતી. સાથે જ જ્યાં સિલ્ટિંગ અને ડ્રેજિંગની જરૂર છે તે સ્થળોનું સર્વે કરીને પાણીનો પ્રવાહ વધુ સરળ બને તે માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.

એરપોર્ટ વિસ્તારમાં પણ ડ્રોન સર્વે શરૂ થશે

એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ હવે એર ટ્રાફિક કંટ્રોલ હેઠળના પ્રતિબંધિત વિસ્તારમાં પણ ડ્રોન સર્વે હાથ ધરાશે. કમિશનરે કન્સલ્ટન્ટ એજન્સીને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના આપી હતી, જેથી સમગ્ર શહેરના ડ્રેનેજ નેટવર્કનો સંપૂર્ણ અભ્યાસ થઈ શકે.

વરસાદી પાણી સીધું તાપીમાં પહોંચે તે માટે નવા પ્લાન પર ભાર

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર સર્જાતી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે રિટેન્શન અને ડાયવર્ઝન પ્લાન તૈયાર કરવા જણાવ્યું છે. બમરોલી બાયોડાયવર્સિટી પાર્ક વિસ્તારમાં વધારાનું વરસાદી પાણી સંગ્રહ કરવાની યોજના તેમજ વરાછા ખાડીનું પાણી ફ્લડ ગેટ મારફતે સીધું તાપી નદીમાં વાળવા માટે ટેકનિકલ અભ્યાસ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ આયોજન અમલમાં આવે તો ભવિષ્યમાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળી શકે છે.


આ પણ વાંચો: સુરતમાં ખાડીપુરની સ્થિતીના ઉકેલ માટે સરકાર એક્શનમાં, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

આ પણ વાંચો: સુરતમાં ખાડીપૂરને કારણે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને થી વધુ નુકસાની, કિલોના ભાવે માલ વેચવો પડે એવી સ્થિતિ

આ પણ વાંચો: સુરતમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ મંગળ જેવા બની ગયા, ખાડા તંત્રને દેખાશે ખરા ?