Surat News : સુરતમાં આવેલા ખાડીપુરને કારણે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને સૌથી વધુ નુકશાની બોઘવવી પડી છે. 10 દિવસ પહેલા આવેલા આ ખાડપુરને કારણે અંદાજે 1000 કરોડથી વધુની નુકસાનીનું સામનો વેપારીઓને કરવો પડી રહ્યો છે. ખાડીપૂરનાં પાણી રઘુકુળ માર્કેટમાં પણ ઘૂસી ગયાં હતાં અને હાલ રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ ધોબીઘાટ બની ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દુકાનોમાં ઘૂસી ગયેલાં પાણીમાં તેમનો સાડી સહિતનો માલસામાન પલળી ગયો હતો. હાલ આ તમામ સાડી અને કપડાંને દોરીઓ બાંધી પંખા વડે સુકવવામાં આવી રહ્યાં છે.
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી કાપડના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગત સોમવારે સુરતમાં વરસેલા ભારે વરસાદે ઘણા વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. સુરત શહેરમાં જોરદાર વરસેલા વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેમાં ખાડી કિનારે આવેલી કેટલીક કાપડ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતાં હજાર કરોડના નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
કમેલા ગરનાળા નજીક આવેલી રઘુકુળ સહિતની આજુબાજુની કેટલીક માર્કેટોમાં ખાડીપૂરનાં પાણી ભરાતાં મોટી સંખ્યામાં સાડીનો સ્ટોક પલળી ગયો છે અને વેપારીઓને પલળેલી મોંઘી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે. ખાડીપૂરના પાણીમાં પલળી ગયેલી સાડીઓ લોટવાળાને વેચી શકાય એ માટે વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં પંખા મૂકી સાડીનો સ્ટોક સુકાવી રહ્યા છે.રઘુકુળ માર્કેટના રાજુભાઈ ગુપ્તા નામના વેપારીએ જણાવ્યું હતું કે તેમની માર્કેટની નજીકમાં જ ખાડી આવી છે. ખાડીનું પાણી બેક મારતાં નજીકના રસ્તા પર ફરી વળ્યું હતું.
બીજી બાજુ નજીકમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પરનું પાણી રઘુકુળ માર્કેટમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રસરી ગયું હતું. એમાં અહીંની 500થી વધુ દુકાનોમાં મોટેપાયે નુકસાન થવા પામ્યું છે.દુર્ગેશ ચૂડેવાલ (રિસેલ બ્રોકર)એ જણાવ્યું હતું કે આગામી સિઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ સ્ટોકમાં રાખેલો સાડીનો જથ્થો પલળી જતાં એને કિલોના ભાવે વેચવાની નોબત આવી છે. એ માટે સાડીઓને સુકાવવામાં આવી રહી છે. દુકાનો પાસેના પેસેજમાં દોરી પર લટકાવી તેમજ પેસેજમાં સાડીનો સ્ટોક સુકાવવા માટે પંખા મૂકવામાં આવ્યા છે.
રૂ.100, 100, 1000 તેમજ 2000 સુધીની સાડી લોટવાળાને 35થી 50 રૂપિયા કિલોના ભાવે વેચવામાં આવશે. એક કિલોમાં ફક્ત ત્રણેક સાડી આવે છે.રઘુકુળ ઉપરાંત સિલ્ક પ્લાઝા, અનમોલ, સોમેશ્વર જેવી 8 જેટલી માર્કેટમાં પણ પરિસ્થિતિ ખરાબ છે. ખાડીપૂરનાં પાણીમાં પલળેલી સાડીનો સ્ટોક પાણી ઓસર્યા બાદ ભારે દુર્ગંધ મારી રહ્યો છે. આ સ્ટોક મૂકવા બીજી જગ્યા નહીં હોય એવી દુકાનોના વેપારી ભારે પરેશાન થઈ રહ્યા છે. ઇન્શ્યોરન્સ નહીં હોય એવા વેપારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધાની નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર
આ પણ વાંચો:પાટણ : સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ
આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધની હત્યાનું રહસ્ય ઉકેલાયુ, પડોશમાં જ રહેતા પ્રેમીપંખીડાએ હત્યા કરી
