વલસાડ: વલસાડ GIDC (જીઆઈડીસી)માં આવેલી ડેમોસા કંપનીમાં બોયલરમાંથી કેમિકલ ઉભરાતા નવ કામદારો દાઝી ગયાની ઘટના બનવા પામી છે. જેમાં ચાર કામદારોની હાલત ગંભીર ગણાવાય રહી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ GIDC માં આવેલી ડેમોસા કેમિકલ કંપનીમાં બોયલરમાંથી કેમિકલ ઉભરાવાની ઘટના બની હતી. કંપનીના કામદારો રિએક્ટરની બાજુમાં જમવા બેઠા હતા. તે દરમિયાન બોયલર માંથી અચાનક ગરમ કેમિકલ ઉભરાવવા લાગ્યું હતું. જેના કારણે રિએક્ટરની નજીક જમવા બેસેલા કામદારો દાઝી ગયા હતા.

આ અચાનક બનેલી ઘટનામાં દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો
ડેમોસા કેમિકલ કંપનીમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ વલસાડના ફેકટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબીનો કાફલો તાત્કાલિક ધોરણે કંપની પર ધસી આવ્યો હતો. ફેક્ટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબીની ટીમે કંપનીની મુલાકાત લઈને તેમના કામદારો સાથે વાતચીત કરી હતી તેમજ કંપનીમાં ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને ઘટના અંગેની માહિતી મેળવી હતી.

હાલમાં તો પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક કંપનીની બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે. આ મામલે કંપની ઇન્સ્પેક્ટર દ્વારા પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ કર્યા બાદ પગલાં ભરવા આવશે એવી મીડિયાને જાણકારી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડની ડેમોસા કંપનીમાં આવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે. જેના કારણે કંપનીના સંચાલકો સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ સંજોગોમાં એ જોવું રહ્યું કે, આ દુર્ઘટનામાં ફેક્ટરી ઇન્સ્પેકટરની કચેરી અને જીપીસીબીની કચેરી દ્વારા ખરેખર પગલાં ભરવામાં આવશે કે કેમ? જો કે આ અંગેનો જવાબ તો આવનારો સમય જ બતાવશે.

