અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવંત હોય તેવા પશુઓની નિકાસ કરવાના મામલે ઘણો મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલે સીએમ વિજય રૂપાણીએ શુક્રવારે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને વિસ્તૃત માહિતી આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી જીવતાં પશુઓની નિકાસ બંધ કરવામાં આવી છે. હવેથી રાજ્યના મુખ્ય બંદર એવા કંડલા બંદરેથી જીવતાં પશુઓની નિકાસ નહી થાય. ગુજરાતે અહિંસક રાજ્ય તરીકે નામના મેળવી છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા જીવતાં પશુઓની નિકાસ બંધ કરવા અંગે ચાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ મામલે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભૂ અને કસ્ટમને પણ પત્ર મોકલી જાણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કચ્છના ટૂંણા – કંડલા બંદરેથી જીવતાં પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો અબોલ પશુજીવ પ્રત્યે સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જીવતાં પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શિકા મુજબના ધારા-ધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવતાં પશુઓની નિકાસ થઈ શકશે નહીં તેવી પશુ જીવદયા અંગેની પ્રતિબધ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્રીય વાણિજય મંત્રી સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવીને જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવતી લોકલ સર્ટિફિકેશનની મંજૂરી નવા નિયમોને કારણે અર્થહિન બની ગઈ છે.
કેન્દ્રીય મંત્રીને સીએમ રૂપાણીએ એવી વિનંતી પણ કરી છે કે, જ્યાં સુધી ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટિફિકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તે દરમિયાનમાં પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમીટ બંધ કરવામાં આવે.
આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ નિયમ ૧૯૭૮ અને ધ પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એકટ ૧૯૬૦ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મિકેનિઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય. તે દરમિયાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત ટુંણા પોર્ટ પરથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઈ શકે તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા ૨૪ X ૭ દેખરેખ રાખીને કોઈપણ જીવીત પશુની નિકાસ નહીં થવા દેવામાં આવે.
રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ ગુજરાતના તમામ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં સ્થપાયેલ જિલ્લાની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ (SPCA)ને કોઈપણ પ્રકારનાં પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં પ્રિવેન્સન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટની જોગવાઈઓ અનુસાર સઘન કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્રીય મંત્રીને પાઠવેલા આ પત્રમાં ભારત સરકાર તરફથી આ સમગ્ર બાબતે ત્વરીત નિવારણ લાવવા અનુરોધ કર્યો છે. ટૂંણા કંડલા પોર્ટ ખાતે કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટને પણ જ્યાં સુધી ભારત સરકાર તરફથી યોગ્ય દિશા નિર્દેશો ન મળે ત્યા સુધી આવી નિકાસ ન કરવા દેવા સૂચનાઓ આપવામાં આવી છે.
