ડીસા,
ડીસામાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. અસહ્ય ત્રાસને કારણે હિન્દૂ યુવા સંગઠનોએ રોષ ઠાલવ્યો. શાળાઓ કોલેજો સહિત જાહેર માર્ગો પર ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી અસામાજીક તત્વો લોકોની પજવણી કરી રહ્યા છે જેને કારણે લોકોનાં જીવ જોખમાયા છે.
દાદાગીરી, ચોરી, લૂંટ અને છેડતીના બનાવો વધતા હિન્દુ યુવા સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ. આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્ચારી જણાવ્યુ હતુ કે, આગામી 10 દિવસમાં આ મામલે કોઇ ઉકેલ નહી લાવવામાં આવે તો કાયદો હાથમાં લઇ અસામાજીક તત્વોને સબક શીખવાડવામાં આવશે.
આ સમગ્ર મામલે સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં ગુંડાગીરીએ માઝા મુકી છે. ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. દારૂની મહેફીલ કરવામાં આવે છે. ચીમકી બાદ હવે પોલીસની કામગીરી કેવી રહેશે તે જોવાનું રહેશે.
