Gujarat News/ ખાંડ બાદ હવે ડુંગળી રડાવશે! 15 દિવસમાં ભાવ રૂ.40થી વધીને રૂ.70, આગામી દિવસોમાં વધુ ભડકો

Onion Price Hike: ગુજરાતમાં ડુંગળીના ભાવમાં મોટો વધારો થયો છે. 15 દિવસમાં ભાવ રૂ.35-40થી વધીને રૂ.60-70 પ્રતિ કિલો થયા છે. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વરસાદથી સપ્લાય ઘટતાં હજુ ભાવ વધવાની શક્યતા.

Gujarat Top Stories
Onion Price Hike: 15 દિવસમાં ડુંગળીના ભાવ રૂ.35-40થી વધીને રૂ.60-70 પ્રતિ કિલો થયા

Gujarat News: તહેવારોની શરૂઆત વચ્ચે સામાન્ય લોકોના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ખાંડના ભાવમાં વધારો થયા બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો (Onion Price Hike) ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર 15 દિવસ પહેલાં જે ડુંગળી રૂ.35થી રૂ.40 પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે બજારમાં રૂ.60થી રૂ.70 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં હજુ રૂ.15થી રૂ.20 સુધીનો વધારો થવાની શક્યતા છે.

Onion Price Hike: વરસાદના કારણે આવક ઘટી, સપ્લાય પર અસર

ડુંગળીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને ગણાવવામાં આવી રહ્યું છે. વરસાદને કારણે ડુંગળીનો કેટલોક જથ્થો પલળી ગયો છે અને તેની ગુણવત્તા પર અસર થઈ છે. પરિણામે ગુજરાતના બજારોમાં બહારના રાજ્યોમાંથી ડુંગળીની આવક ઘટી છે.

માલની આવક ઓછી અને માંગ યથાવત રહેતાં બજારમાં ડુંગળીની અછત સર્જાઈ છે. આ અછતની સીધી અસર ભાવ પર પડી રહી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં જ ડુંગળીના હોલસેલ ભાવમાં આશરે રૂ.10થી રૂ.15 પ્રતિ કિલોનો વધારો થયો છે. જેના કારણે છૂટક બજારમાં પણ ગ્રાહકોને હવે ડુંગળી રૂ.40થી રૂ.50 કે તેનાથી વધુના ભાવે ખરીદવી પડી રહી છે.

અમદાવાદમાં મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશથી આવે છે ડુંગળી

અમદાવાદ APMCના ડુંગળીના વેપારીના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ દરમિયાન ખેતરમાંથી ડુંગળીનો માલ બહાર આવવાનો (Ahmedabad Onion Price) સમય હોય છે. પરંતુ આ જ સમયગાળા દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ડુંગળીના જથ્થાને મોટું નુકસાન થયું છે.

તેમના જણાવ્યા પ્રમાણે લગભગ 25 ટકા સ્ટોક ગુણવત્તાની સમસ્યાને કારણે ખેડૂતોએ ખેતરમાં જ રાખી દીધો હતો. જ્યારે અન્ય 25 ટકા જેટલો માલ વરસાદની અસરને કારણે તાત્કાલિક બહાર કાઢવો પડ્યો હતો. હાલ બાકી રહેલા અંદાજે 50 ટકા માલ એવા વિસ્તારોમાંથી આવી રહ્યો છે જ્યાં વરસાદની અસર ઓછી રહી હતી. વેપારીના જણાવ્યા પ્રમાણે નવો પાક આવવામાં હજુ સમય લાગી શકે છે. નવો પાક તૈયાર થઈને ગુજરાતના બજારો સુધી પહોંચે ત્યાં સુધી સપ્લાયની અછત રહેવાની શક્યતા છે. તેથી આગામી બે-ત્રણ મહિના સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે જો આગામી પાક સારો રહે તો ત્યારબાદ ભાવમાં ઘટાડો થવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે.

Onion Price Hike: 15 દિવસમાં ડુંગળીના ભાવ રૂ.35-40થી વધીને રૂ.60-70 પ્રતિ કિલો થયા
Onion Price Hike: 15 દિવસમાં ડુંગળીના ભાવ રૂ.35-40થી વધીને રૂ.60-70 પ્રતિ કિલો થયા

વેપારીઓને પણ પૂરતો જથ્થો નથી મળતો

અન્ય એક વેપારીએ જણાવ્યું કે દેશના અનેક વિસ્તારોમાં ડુંગળીનો મોટો જથ્થો નાસિક અને મધ્યપ્રદેશમાંથી આવે છે. હાલ આ બંને વિસ્તારોમાં જ સપ્લાય પર અસર થતાં દેશભરના બજારોમાં ભાવ વધ્યા છે. હાલ પ્રથમ ગુણવત્તાની ડુંગળીનો ભાવ આશરે રૂ.45થી રૂ.50 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. વેપારીઓને ડુંગળીનો પૂરતો જથ્થો પણ મળતો નથી.

રાજકોટમાં એક મણ ડુંગળી રૂ.1000 સુધી પહોંચી

રાજકોટની જયુબેલી શાકમાર્કેટમાં છેલ્લા 40 વર્ષથી વેપારીએ જણાવ્યું કે ગામડાઓમાંથી આવતી ડુંગળીના જથ્થામાં પણ ઘટાડો થયો છે. ઉનાળા અને તડકાની અસરને (Rajkot Onion Price) કારણે આવક ઘટી છે. બીજી તરફ નાસિકમાં પણ ડુંગળીની અછત સર્જાતા રાજકોટના બજાર પર તેની સીધી અસર પડી રહી છે.

એક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા

અન્ય વેપારીએ જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડમાંથી દરરોજ આશરે 2થી 5 બાંચકા ડુંગળીનો માલ મંગાવવામાં આવે છે. જોકે હાલ ઊંચા ભાવ છતાં બજારમાં ગ્રાહકોની માંગમાં ખાસ મોટો ફેરફાર જોવા મળતો નથી. તેમના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ જોતા ઓછામાં ઓછા એક મહિના સુધી ડુંગળીના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે વર્ષ દરમિયાન એક વખત ડુંગળીના ભાવમાં આ પ્રકારનો વધારો જોવા મળતો હોય છે.

તહેવારોમાં ડુંગળી મોંઘી થતાં ઘરનું બજેટ વધ્યું

Onion Price Hike: 15 દિવસમાં ડુંગળીના ભાવ રૂ.35-40થી વધીને રૂ.60-70 પ્રતિ કિલો થયા
Onion Price Hike: અમદાવાદથી સુરત-રાજકોટ સુધી ડુંગળીના ભાવમાં ઉછાળો

રાજકોટના ગ્રાહકે જણાવ્યું કે રૂ.60 પ્રતિ કિલોનો ભાવ સામાન્ય પરિવાર માટે મોટો બોજ બની રહ્યો છે. ડુંગળી અને બટાટા રોજિંદા ભોજનમાં વપરાતી સામાન્ય શાકભાજી છે. આવી વસ્તુના ભાવમાં પણ વધારો થાય ત્યારે તેની સીધી અસર પરિવારના માસિક બજેટ પર પડે છે.

સુરતમાં ડુંગળી રૂ.800થી રૂ.1000 પ્રતિ મણ

સુરત APMC સરદાર માર્કેટના શાકભાજી તેમજ ડુંગળી-બટાટાના જથ્થાબંધ વેપારી બાબુ શેખના જણાવ્યા મુજબ એક મહિના પહેલાં 20 કિલો એટલે કે એક મણ ડુંગળીનો હોલસેલ ભાવ આશરે રૂ.500થી રૂ.600 હતો. હાલ સપ્લાયમાં અડચણ આવતા સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ વધીને (Onion Price Increase) સીધો રૂ.800થી રૂ.1000 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. હોલસેલ માર્કેટમાં જ ભાવ આટલા ઊંચા હોવાથી તેની અસર છૂટક બજારમાં પણ જોવા મળી રહી છે.

હવે નજર નવા પાક પર

હાલ ડુંગળીના ભાવમાં થયેલા વધારા પાછળ વરસાદથી પાકને થયેલું નુકસાન, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાંથી ઘટેલો પુરવઠો અને બજારમાં ઓછી આવક મુખ્ય કારણો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી સમયમાં નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી ભાવમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.

તહેવારની સિઝનમાં જ ખાંડ બાદ ડુંગળીના ભાવમાં થયેલા આ વધારાએ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ વધુ બગાડ્યું છે. હવે ગ્રાહકોને રાહત મળે છે કે નહીં તે માટે નવા પાકની આવક અને આગામી દિવસોના વરસાદ પર બજારની નજર રહેશે.


આ પણ વાંચો: નાગરિકો માટે રાહતના સમાચાર! ડુંગળી અને ખાંડના વધતા ભાવોને લઈને દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય.

આ પણ વાંચો: સુરતના પલમોનાઝ જ્વેલરી શોરૂમમાં ચોરી, શટરનું લોક તોડી તસ્કર દાગીના લઈ ફરાર

આ પણ વાંચો: કચ્છના ખેડૂતોને નર્મદાનું પાણી ક્યારે મળશે? અધૂરા કેનાલ કામ મુદ્દે અમિત ચાવડાનો સરકાર પર પ્રહાર