Gujarat Panchayat Bharti 2026: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે બજેટમાં મોટો વધારો કર્યો છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જાહેરાત કરી છે કે, આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ ગામડાઓને શહેર જેવી સુવિધા આપવા માટે ‘અટલવાડી’ અને સ્વચ્છતા માટે ‘મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના’ જેવી મહત્વની પહેલની પણ જાહેરાત કરાઈ છે.
6000 નવી ભરતી અને નવા પદોની મંજૂરી
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ વર્ષ અત્યંત આશાસ્પદ રહેવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગમાં સીધી ભરતી થકી 6000થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે. આ ઉપરાંત, રાજ્યમાં સતત વધતા વિકાસકામોને ઝડપી બનાવવા અને તેને પહોંચી વળવા માટે 127 વિસ્તરણ અધિકારી તેમજ 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, વહીવટી સરળતા ખાતર બનાસકાંઠામાંથી અલગ કરીને નવા બનાવવામાં આવેલા વાવ-થરાદ જિલ્લા માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેનાથી રોજગારીની વધુ નવી તકોનું નિર્માણ થશે.
ગામડાઓમાં આધુનિક ‘અટલવાડી’ અને સ્વચ્છતા અભિયાન
ગામડાના સામાજિક જીવનને વધુ વેગ આપવા અને પાયાની સુવિધાઓ મજબૂત કરવા માટે સરકાર દ્વારા કેટલીક નવી અને મહત્વપૂર્ણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આયોજન મુજબ, ગ્રામસભા, મહિલા મંડળની બેઠકો તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમોના આયોજન માટે આધુનિક સુવિધાસભર ‘અટલવાડી’નું નિર્માણ કરવામાં આવશે, જેના માટે બજેટમાં રૂ. 60 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અને કચરાના યોગ્ય વ્યવસ્થાપનને વેગ આપવાના હેતુથી રૂ. 650 કરોડની માતબર જોગવાઈ સાથે નવી ‘મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના’ લોન્ચ કરવામાં આવી છે. આ સાથે જ પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા માટે નવા ગ્રામ પંચાયત ભવન તેમજ તલાટી કમ મંત્રી આવાસના નિર્માણ માટે પણ રૂ. 406.21 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.
નાણાંકીય જોગવાઈ અને કેન્દ્રની મદદ
રાજ્યમાં પંચાયત અને ગ્રામ વિકાસના કાર્યોને વધુ વેગ આપવા માટે કુલ રૂ. 14,857.85 કરોડની માતબર બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આગામી 16મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2026-27માં ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી વધુ રૂ. 2415 કરોડની ગ્રાન્ટ મળવાની ધારણા છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં થતા વિકાસકામોની ગુણવત્તા જળવાઈ રહે અને તમામ કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે હવેથી દરેક જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) અને રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ની સ્થાપના કરવામાં આવશે.
ગુજરાતની Panchayat દેશમાં મોખરે
મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) ની A કેટેગરીમાં દેશની કુલ 699 પંચાયતોમાંથી 346 તો માત્ર ગુજરાતની છે. આ ઉપરાંત 15,554 ગામો અત્યાર સુધી ‘સમરસ’ જાહેર થયા છે, જે લોકશાહીની મજબૂતી દર્શાવે છે.
આ પણ વાંચોઃ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, PM સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં ગુજરાત મોખરે
આ પણ વાંચોઃ ઋષિકેશ પટેલે હોદ્દો જાળવ્યો, નવા મંત્રીમંડળમાં યથાવત્
