Kisan Suryoday Yojana New Update: ગુજરાત વિધાનસભામાં ઊર્જા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર હવે ખેડૂતોને બે શિફ્ટના બદલે સવારે 7 થી સાંજે 5 વાગ્યા દરમિયાન એક જ શિફ્ટમાં સંપૂર્ણ 8 કલાક વીજળી આપવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત, ગુજરાતને ‘વાયર ફ્રી’ બનાવવા અને ઊર્જા સુરક્ષા માટે અનેક ઐતિહાસિક જોગવાઈઓ કરવામાં આવી છે.
ખેડૂતો માટે ‘Kisan Suryoday Yojana’નો નવો તબક્કો
રાજ્યમાં સૂર્ય ઊર્જાની ઉપલબ્ધતા વધતા હવે ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે જાગવાની જરૂર નહીં પડે. આ માટે સરકારે સવારે 7:00 થી સાંજે 5:00 દરમિયાન એક જ શિફ્ટમાં ખેડૂતોને સતત 8 કલાક વીજળી આપવાનું આયોજન કર્યું છે. આ હેતુસર બજેટમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત રૂ. 500 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, આદિજાતિ અને સાગરકાંઠાના વિસ્તારોમાં રહેતા ખેડૂતોના લાભાર્થે 68,195 નવા કૃષિ વીજ જોડાણો આપવા માટે રૂ. 1166 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
ગુજરાત વાયર ફ્રી સિટી મિશન: શહેરોની સુંદરતા વધશે
રાજ્યના શહેરોને આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે હવે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના અંતર્ગત તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તબક્કાવાર ‘વાયર ફ્રી’ કરવામાં આવશે. ખાસ કરીને કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી રમતોની તૈયારીના ભાગરૂપે આ મિશન હાથ ધરવામાં આવ્યું છે, જે ગુજરાતને ભવિષ્યની વૈશ્વિક ઈવેન્ટ્સ માટે તૈયાર કરવાનું એક અત્યંત મહત્વનું પગલું સાબિત થશે.
સરહદી સુરક્ષા અને યાત્રાધામ વિકાસ
બોર્ડર સુરક્ષાને પ્રાધાન્ય આપતા કચ્છના ખાવડા, દયાપર અને બાલાસર જેવા સરહદી વિસ્તારોમાં આવેલી 58 બોર્ડર આઉટ પોસ્ટ (BOP) ને અવિરત વીજળી મળી રહે તે માટે બજેટમાં રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત, રાજ્યના યાત્રાધામોને વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવાના હેતુથી ‘ગ્રીન એન્ડ સેફ ઝોન’ તરીકે વિકસાવવા માટે પણ રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને, દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સમયે વીજળી ગુલ ન થાય અને વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તમામ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેક્ટ માટે વધુ રૂ. 100 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
વિકસિત ગુજરાત @ 2047: ઊર્જાના લક્ષ્યાંકો
વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે દેશના કુલ ઉત્પાદનનો 20% હિસ્સો કવર કરશે.
આ ઉપરાંત, ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્ષ 2035 સુધીમાં ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવવાની દિશામાં પણ કામગીરી થશે, જેના થકી વાર્ષિક 3 MMTPA ઉત્પાદન કરવામાં આવશે. વધુમાં, રાજ્યમાં અવિરત ઊર્જાનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે 75 પમ્પ સ્ટોરેજ યુનિટ સ્થાપીને 75 GWh ની વિશાળ સ્ટોરેજ ક્ષમતા ઊભી કરવામાં આવશે.
ગુજરાતનો વિશ્વવિક્રમ: ખાવડા રિન્યુએબલ પાર્ક
કચ્છના ખાવડામાં 37,350 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જેમાંથી 13,000 મેગાવોટ પ્લાન્ટ કાર્યરત પણ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, રુફટોપ સોલારમાં 11.44 લાખ ઘરો સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
આ પણ વાંચોઃગુજરાત સરકારે ગ્રામજનો માટે લીધો મોટો નિર્ણય, 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત કાઢી આપશે
આ પણ વાંચોઃભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર
