Gujarat News: દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઊર્જાના સચોટ ઉપયોગ, બચત અને નવીનીકરણીય ઊર્જાના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપે છે. ગુજરાત રાજ્યએ આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને આજે દેશભરમાં ઊર્જા સંરક્ષણ તથા સોલાર ઊર્જાના અમલીકરણમાં અગ્રેસર રાજ્ય તરીકે ઓળખાય છે.

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું-વીજળીના સતત વધી રહેલા વપરાશ
ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ બાબતે કરેલી કામગીરી અંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સોલાર ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વીજળીના સતત વધી રહેલા વપરાશ અને ભાવિ માંગને પહોંચી વળવા તૈયાર છે.
PM સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં ગુજરાત પ્રથમ
વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસના અવસરે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘PM સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શરૂ કરાયેલી આ યોજના દ્વારા દેશમાં રહેણાંક સ્તરે સોલાર ઊર્જાનો વ્યાપ વધારવાનો સંકલ્પ છે, જેમાં ગુજરાતે દેશના કુલ અમલીકરણમાં આશરે 25 ટકા યોગદાન આપ્યું છે.

2027 સુધીમાં 10 લાખ રૂફટોપ સોલારનું લક્ષ્ય
ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે માર્ચ 2027 સુધીમાં ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 4.96 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈ ચૂકી છે, જે 1886 મેગાવોટ સોલાર ક્ષમતાને પ્રતિનિધિત્વ કરે છે. આ સિદ્ધિ રાજ્યના કુલ લક્ષ્યાંકના 49 ટકાથી વધુ હિસ્સાને આવરી લે છે.
નાગરિકો માટે પ્રોત્સાહિત કરવા-ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
વધુમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની કામગીરીની સમીક્ષા માટે રાજ્ય કક્ષાની સંકલન બેઠક બોલાવવામાં આવે છે. જેમાં રાજ્યમાં ચાલી રહેલ યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે. રાજ્ય સરકારે PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, 6 કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.2950ની સહાય તથા 6 કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.
સોલાર ઊર્જાથી પર્યાવરણને મોટો ફાયદો-ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ
આજે ગુજરાત સોલાર રૂફ્ટોપ ક્ષેત્રે 27%ના યોગદાન સાથે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં રહેણાંક તથા બિન રહેણાંક ક્ષેત્રે સાથે સંકલિત કુલ 6315 મેગાવોટ સોલાર સિસ્ટમોનું સ્થાપન થયેલ છે. જે થકી દર વર્ષે 9386 મિલિયન યુનિટ ઇલેક્ટ્રિસીટી ઉત્પન થશે. જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે 6.38 મિલિયન મેટ્રિક ટન કોલસાની બચત થશે , 8.33 મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે.
સફળતાના મુખ્ય પરિબળો
ગુજરાતની આ સિદ્ધિ પાછળ રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જા માટેની મજબૂત પ્રતિબદ્ધતા છે. ગ્રાહક-પ્રથમ અભિગમ, નીતિ આધારિત નિર્ણય, નેટ મીટરિંગની સરળ વ્યવસ્થા અને લોડ મર્યાદાની ગેરહાજરી જેવા પગલાંઓથી નાગરિકોને સોલાર ઊર્જા અપનાવવી સરળ બની છે. ઘરેથી ઉત્પન્ન થતી વધારાની વીજળી વેચવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.
ઊર્જા સંરક્ષણમાં ગુજરાતનો સંકલ્પ
વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ પર ગુજરાતે સાબિત કર્યું છે કે ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ સાથે આગળ વધવું શક્ય છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા રાજ્ય માત્ર વીજળી ઉત્પાદન નહીં પરંતુ સ્વચ્છ, ટકાઉ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પણ વાંચોઃગુજરાત સરકારે ગ્રામજનો માટે લીધો મોટો નિર્ણય, 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત કાઢી આપશે
આ પણ વાંચોઃભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર

