પાટણ,
પાટણ શહેર-જિલ્લાને રાજ્યભરમાં ચકચાર જગાવનાર આંતરરાજ્ય ગાડી ચોરી કરી અલગ અલગ સ્થળે સસ્તામાં વેચી મારવાના કૌભાંડમાં પોલીસે પકડેલા ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં તેઓને ફરીથી કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દરમિયાન આ મામલામાં પકડાયેલા પાટણ મેસર અને ધરપડાના શખ્સોની પુછપરછમાં વધુ 16 ગાડીઓના વેચાણની કબૂલાત કરતા હવે તેને શોધી લાવવાની કવાયત શરૂ થશે.
દરમિયાન પાટણ પોલીસે ભુજ ખાતે આરટીઓ કચેરીમાં જરૂરી માહિતી માગતા વાહન વ્યવહાર સચિવની મંજૂરી બાદ દસ્તાવેજો મળ્યા પછી તેમાં તપાસ આગળ ધપશે. દરમિયાન પાટણ પોલીસ ઝારખંડ જવા માટે પણ તૈયારી કરી રહી છે. આ જ રીતે ઝારખંડ પોલીસ પણ પાટણ આવી શકે છે.
ચકચારી કાર અને ગાડી ચોરીમાં પકડાયેલા મુકેશ શ્રીમાળી, કરમસિંહ રાનેરા ,તોફીક હુસેન મનસુરી અને આરટીઓ એજન્ટ સુખેન્દ્રસિહ જાડેજા ને પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમજ પોલીસની રજૂઆત મુજબ સાંયોગિક પુરાવાની કલમ 120 બી નો ઉમેરો કરાયો હતો.
