Not Set/ વરસાદી પૂરમાં સિંહોને બચાવવા વનવિભાગે કરી આવી વ્યવસ્થા

અમદાવાદ: અમરેલી અને લિલિયા પંથકમાં શેત્રુંજી નદીના પટમાં વસવાટ કરતા ત્રણ ડઝન જેટલા સાવજોને ચોમાસામાં બચાવવા માટે વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જો કે વન વિભાગનો આ નવતર પ્રયોગ કેટલે અંશે સફળ રહેશે તેઓ સમય જ બતાવશે. અમરેલી અને લિલિયા પંથકમાંથી વહેતી શેત્રુંજી નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક સિંહ […]

Top Stories Gujarat Trending
Plan of forest department to protect the lions living in the banks of the Shetrunji river

અમદાવાદ: અમરેલી અને લિલિયા પંથકમાં શેત્રુંજી નદીના પટમાં વસવાટ કરતા ત્રણ ડઝન જેટલા સાવજોને ચોમાસામાં બચાવવા માટે વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જો કે વન વિભાગનો આ નવતર પ્રયોગ કેટલે અંશે સફળ રહેશે તેઓ સમય જ બતાવશે.

અમરેલી અને લિલિયા પંથકમાંથી વહેતી શેત્રુંજી નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક સિંહ પરિવારો કાયમી ધોરણે વિચરણ કરી રહ્યા છે. એટલે કે, આ સાવજોએ શેત્રુંજીના પટ વિસ્તારને પોતાનું કાયમી વસવાટનું સ્થાન બનાવી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ પંથકમાં શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં અંદાજે ૩૫ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. આ સિંહો નદીના પટ વિસ્તાર ઉપરાંત આજુબાજુનાં વિસ્તારોમાં આવેલી બાવળોની ઝાડીઓમાં પણ આ સાવજો વિચરણ કરતા રહેતા હોય છે. આ સંજોગોમાં ચોમાસાની સિજન દરમિયાન ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં સાવજોની સલામતી જોખમાય નહીં તે માટે આ વર્ષે વન વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

વન વિભાગના આ નવતર પ્રયોગ અંતર્ગત સિંહોની સલામતી માટે પથ્થરોના માઉન્ટ બનાવવામાં આવ્યા છે. પથ્થરોના બનાવેલા આ ટેકરીઓ પર ચોમાસામાં વરસાદના સમયે કે પૂર આવવાના સંજોગોમાં સિંહો ચઢીને પોતાનું રક્ષણ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ અગાઉ ભારે વરસાદ અને શેત્રુંજી નદીમાં આવેલા પૂર પ્રકોપના કારણે સેંકડોની સંખ્યામાં વન્ય પશુઓ તણાઈ જતાં મોતને ભેટ્યા હતા. જેમાં નવ સિંહના પણ તણાઈ જવાના કારણે મોત નીપજ્યા હતા.

બે વર્ષ અગાઉ આવેલી આ કુદરતી આપત્તિના સંજોગોને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ વખતે પથ્થરોના માઉન્ટ બનાવવાનો નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે.  જેના ભાગરૂપે અમરેલી વન વિભાગ દ્વારા શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં અલગ અલગ ચાર સ્થળોએ સાવજ પરિવારોની સલામતી માટે આવા પથ્થરોના ટેકરીઓ બનવવામાં આવી છે. આ માટે વન વિભાગની ત્રણ ટીમો દ્વારા સતત સિંહ પરિવારની હિલચાલ પર વોચ રાખવામાં આવી રહી છે.

અમરેલી રેંજ વનવિભાગ દ્વારા ચોમાસા અગાઉ સાવજોની સલામતી અને સુરક્ષા માટેના આયોજનના ભાગરૂપે આવા પથ્થરોના માઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ સંજોગોમાં વન વિભાગ દ્વારા ચોમાસાની સિજનમાં સિંહોને બચાવવા માટેનો આ નવતર પ્રયોગ કેટલા અંશે કારગત નિવડશે તે તો આવનારો સમય જ બતાવશે.