Gujarat Police PI Transfer 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવ દ્વારા એકસાથે 518 બિન-હથિયારધારી PI ની બદલી અને 254 પ્રમોશન પામેલા PI ને નવા પોસ્ટિંગ આપતો મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા મહેફિલ કાંડથી વિવાદમાં આવેલા અધિકારી અને CID ક્રાઇમમાં થયેલા મોટા ફેરફારોની છે.
ચંદ્રકલાબા જાડેજાનું અમદાવાદ ગ્રામ્યમાં PI તરીકે પોસ્ટિંગ
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ દરમિયાન ‘મહેફિલ કાંડ’ થી વિવાદમાં આવેલા ચંદ્રકલાબા જાડેજાની બદલી ચર્ચાનો વિષય બની છે. અગાઉ વિવાદ બાદ તેમની બદલી ઇન્ટેલિજન્સમાં કરવામાં આવી હતી, જ્યાં તેઓ PI તરીકે પ્રમોશન પામ્યા હતા. હવે તેમને સત્તાવાર રીતે અમદાવાદ ગ્રામ્યમાં PI તરીકે મહત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
CID ક્રાઇમ અને સાયબર ક્રાઇમ પર વિશેષ ભાર
વધતા જતા આર્થિક ગુનાઓ અને સાયબર ફ્રોડને રોકવા માટે સરકાર દ્વારા CID ક્રાઇમને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ અંતર્ગત એકસાથે ૪૦ થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક CID ક્રાઇમમાં કરવામાં આવી છે. ખાસ કરીને સાયબર ગુનાઓ ઉકેલવા માટે બનાવવામાં આવેલા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં ૧૭ PI ને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, ચાંદખેડા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI એચ. એમ. આહીરની પણ હવે CID ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે.
13 મહિનાની રાહ બાદ મળ્યું પોસ્ટિંગ
નોંધનીય છે કે, 2013 અને 2016 ની બેચના પીએસઆઈ (PSI) માંથી પીઆઈ (PI) બનેલા 254 અધિકારીઓ છેલ્લા 13 મહિનાથી પ્રમોશન મળવા છતાં એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. તેમને સત્તાવાર પોસ્ટિંગ આપવામાં આવ્યું નહોતું, જે હવે ચૂંટણી પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ 254 અધિકારીઓમાંથી 60 થી વધુ પીઆઈને વિવિધ ખાસ વિભાગોમાં અને બાકીનાને અલગ-અલગ જિલ્લા અને શહેરોના પોલીસ સ્ટેશનોમાં મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ મોટા પાયે બદલીઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.


