ગાંધીનગર,
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાતની ચૂંટણી યાત્રાનો ચોથો તબક્કો આજે શરૂ થયો હતો. રાહુલ ગાંધી શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગરના જાણીતા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરમાં રાહુલ ગાંધીએ સંતો સાથે મુલાકાત કરીને સ્વામીબાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
અક્ષરધામ મંદિરની મુલાકાત પછી ગાંધીનગરના ચીલોડા સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યાંથી તેમની નવસર્જન યાત્રા શરૂ થઇ હતી. રાહુલ ગાંધી તેમની આ અંતિમ તબક્કાની યાત્રા દરમિયાન પ્રાંતીજ, હિમ્મતનગર, ઇડરમાં સભાઓ સંબોધશે અને છેલ્લે અંબાજી માતાના મંદિરે દર્શન કરીને યાત્રા સમાપ્ત કરશે.
ચિલોડામાં રાહુલ ગાંધીએ સભામાં મહિલા અને બાળકોને ખાસ યાદ કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ રાજ્યસભામાં મહિલાઓને વધુ પ્રતિનિધીત્વ આપશે. જીએસટી પર મોદી સરકારને ફરી એકવાર આડેહાથ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીના ટેક્સ સ્લેબમાં હજુ વધુ ઘટાડો કરશે.
રાહુલે ફરી એકવાર જીએસટીને ‘ગબ્બરસિંહ ટેક્સ’ ગણાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ચિલોડામાં સ્ટેજ પરથી નીચે ઉતરીને મહિલાઓ અને બાળકો સાથે હાથ મેળવ્યા હતા.
